મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પ્રથમ બજેટ સત્રનો બુધવાર, (2 માર્ચ) પ્રારંભ થયો હતો. 3 માર્ચ, 2022ના રોજ એટલે કે ગુરુવારે આશરે 1.30 કલાકે રાજ્યના નવા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારનું પ્રથમ અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.
સત્રના પ્રથમ દિવસની શરૂઆત બપોરના 12 કલાકે રાજ્યપાલ ડો. દેવવ્રત આચાર્યે સંબોધન કર્યું હતું. ડિસેમ્બર, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી હાલની રાજ્ય સરકાર પાસે માત્ર નવ મહિના જેટલો જ સમય બચ્યો છે. વિરોધ પક્ષ પણ વિવિધ મુદ્દા ઉઠાવશે. રાજ્યમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિતના પેપર લીકનો મામલો, કથિત ભ્રષ્ટાચારની બાબતો, બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દા વિધાનસભાના બજેટ સત્રમાં ઉઠશે.
સત્રના પહેલા દિવસે ભાજપના ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ અને ભારત રત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન પ્રત્યે પણ સત્ર દરમિયાન શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
2 માર્ચ, 2022થી શરૂ થયેલુ ગુજરાત વિધાનસભાનું સત્ર 31 માર્ચ, 2022એ સમાપ્ત થશે. 30 દિવસના સત્રમાં શનિવાર-રવિવારની આઠ રજાઓ ઉપરાંત 18મીએ ધૂળેટીની રજા મળીને કુલ નવ રજાઓ આવશે. તેથી સત્ર કુલ 21 દિવસ માટેનું હશે. બજેટ સત્રના દિવસો ખૂબ ઓછા હોવાથી 8, 10, 15, 22 અને 24મી તારીખ એમ પાંચ દિવસ મળીને ગૃહની ડબલ બેઠક થશે. એટલે કે સવારા 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી પહેલી બેઠક અને બપોરના 3.30થી મોડી સાંજ સુધી બીજી બેઠક થશે. સત્રના કુલ કામકાજના 21 દિવસોમાં ડબલ બેઠકના પાંચ દિવસ ઉમેરીને કુલ 26 દિવસ કામ થયેલું ગણાશે. સત્ર દરમિયાન રાજ્ય સરકાર તરફથી 3 જેટલા નવા કાયદા અને બાકીના 7 જેટલા કાયદામાં સુધારા કરતા બિલ રજૂ કરાય તેવી શક્યતા છે.
વર્ષ 2022-23 માટેના ગુજરાત સરકારના બજેટનું કુલ કદ આશરે રૂ. 2.40 કરોડ હોઈ શકે છે. 2021-22ના વર્ષનું બજેટ કુલ રૂ.2.28 કરોડ હતું અને તેમા સરકારને 2.18 લાખની આવક અને 2.23 લાખનો ખર્ચ હતો. કોરોના મહામારીના કારણે આવેલી મંદીથી રાજ્ય સરકારને ધાર્યા મુજબની આવક થઈ નથી.