રશિયાના પ્રેસિડન્ટ પુતિને અણુશસ્ત્રોને હાઇએલર્ટ પર મૂકવાનો આદેશ આપ્યો હોવા છતાં નાટોને તેના અણુશસ્ત્રોના એલર્ટ લેવલમાં કોઇ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી, એમ આ સંગઠનના વડાએ જણાવ્યું હતું. પોલેન્ડના પ્રેસિડન્ટ એન્ડરેઝ ડુડા સાથે યુરોપની સુરક્ષા અંગેની મંત્રણા બાદ નાટોના વડા જેમ્સ સ્ટોલ્ટેનબર્ગે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારા સહયોગી દેશોની સુરક્ષા અને રક્ષણ માટે જે જરૂરી હોય તે અમે હંમેશા કરીએ છીએ, પરંતુ હાલમાં નાટોના અણુ ફોર્સના એલર્ટ લેવલમાં ફેરફાર કરવાની કોઇ જરૂર લાગતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નાટોના સભ્ય દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પાસે પરમાણુ હથિયારો છે.