ભારતમાં વિરોધને પગલે ટર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીએ ટાટા ગ્રૂપની કંપની એર ઇન્ડિયાના સીઇઓનો હોદ્દો સ્વીકારવાનો મંગળવારે ઇનકાર કર્યો હતો. ટાટા ગ્રૂપના પ્રવક્તાએ પણ આ ગતિવિધીને પુષ્ટી આપી હતી, જોકે તેમણે વધુ વિગત આપી ન હતી.
ટાટા ગ્રૂપે 14 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી તરીકે આયસીના નામની જાહેરાત કરી હતી. તેઓ પહેલી એપ્રિલ 2022થી વડાનો હવાલો સંભાળવાના હતા, પરંતુ ટર્કીના પ્રેસિડેન્ટ રેસેપ ટી અર્દોગાન સાથે આયસીના સંબંધોને કારણે ભારતમાં તેમના નામનો જોરદાર વિરોધ થયો હતો. અર્દોગાન પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી ગણાય છે. ગયા સપ્તાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ એર ઇન્ડિયાના વડા તરીકે આયસીની નિમણુકને બ્લોક કરવા સરકારને અનુરોધ કર્યો હતો.
આયસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના મીડિયામાં મારી નિમણુકને ખોટી રીતે ચીતરવાના પ્રયાસોને વાંચ્યા બાદ ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરન સાથેની તાજેતરની બેઠકમાં તેમણે આ હોદ્દો સ્વીકારનો ઇનકાર કર્યો હતો. આયસીએ જણાવ્યું હતું કે હંમેશા વ્યવસાયિક બાબતોને પ્રાથમિકતા આપતા એક બિઝનેસ લીડર તરીકે હું તારણ પર આવ્યો છું કે આવા ચિતરણ વચ્ચે આ હોદ્દાનો સ્વીકાર કરવાનું શક્ય કે સન્માનીય નથી.
ટર્કીશ પ્રેસિડન્ટ સાથેના સંબંધોને પગલે ભારત સરકારે પણ આઇસીના નામ અંગે સુરક્ષા સંબંધિત મંજૂરી આપવામાં વિલંબ કર્યો હતો. ભારતના નિયમો મુજબ એરલાઇન કંપનીએ મેનેજમેન્ટમાં મહત્ત્વના હોદ્દા માટે નિમણુક કરતી વખતે તે વ્યક્તિ અંગે ભારત સરકાર પાસેથી મંજૂરી મેળવી પડે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નવા સીઇઓને મંજૂરી મેળવવામાં અનિશ્ચિતતાને પગલે ટાટા સન્સે એર ઇન્ડિયા માટે સીઓઓની નિમણુક સહિત નવી લીડરશીપની ચકાસણી પણ ચાલુ કરી દીધી હતી. ટાટા સન્સ એર ઇન્ડિયામાં સીઇઓની ભૂમિકા માટે બાકીના ચારમાંથી બીજા શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરે તેવી શક્યતા છે. રસપ્રદ બાબત એ હતી કે આયસીએ 27 જાન્યુઆરી ટર્કિશ એરલાઇન્સમાં ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ જ દિવસે ટાટા સન્સે સરકાર પાસેથી એર ઇન્ડિયાનું સુકાન સંભાળ્યું હતું.
ચેરમેન એન ચંદ્રશેખરના વડપણ હેઠળ એવો બીજા કિસ્સો છે કે તેમાં વિદેશી નાગરિકની નિમણુક સફળ થઈ નથી. ગયા વર્ષે ટાટા ગ્રૂપે ટાટા મોટર્સના વડા તરીકે જર્મન નાગરિક માર્ક લિસ્ટોસેલ્લાની નિમણુક કરી હતી. પરંતુ તેઓ ટાટા મોટર્સમાં જોડાયા નથી. ટાટા મોટર્સ ગયા જુલાઈથી સીઇઓ વગરની કંપની છે.