રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરીમાં સંકલન માટે ભારત સરકાર તેને ચાર પ્રધાનો યુક્રેનના પડોશી દેશોમાં મોકલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની કટોકટીની ચર્ચા કરવા માટે સોમવારે સવારે ટોચના પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ચાર પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોમાં મોકવાની રણનીતિ તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે.
ભારતના નાગરિકોને પરત લાવવાના અભિયાનમાં મદદ કરવા માટે ચાર પ્રધાનો ભારતના ખાસ દૂત તરીકે યુક્રેનના પડોશી દેશોમાં જશે. પ્રધાનોમાં હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વી કે સિંહનો સમાવેશ થાય છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને રોમાનિયા અને મોલ્ડોવાનો તથા કિરણ રિજિજુને સ્લોવાકિયા, હરદીપ પૂરીને હંગેરી અને વી કે સિંહને પોલેન્ડ માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા તે સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ આ મુદ્દે બે દિવસમાં બે બેઠકો યોજી છે. રવિવારની સાંજે વડાપ્રધાન વિદેશ પ્રધાન એસ જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ભારતના આશરે 16,000 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અથવા તેની બોર્ડર પર ફસાયેલા છે. તેઓ બંકર, બોમ્બ શેલ્ડર કે હોસ્ટોલ બેઝમેન્ટમાં છુપાયેલા છે. સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકોને દેશમાં પરત લાવવવા માટે ઓપરેશન ગંગા નામનું અભિયાન ચાલુ કર્યું છે. આ અભિયાન હેઠળ એર ઇન્ડિયાની સ્પેશ્યલ ફ્લાઇટ મારફત રોમાનિયા અને હંગેરીના રૂટથી ભારતના નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યાં છે.