ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના દ્વારકા ખાતે શુક્રવારથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર શરૂ થઈ હતી. આ બેઠકનો હેતુ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેવી રીતે વિજય અપાવવો તેનું મંથન કરવાનો હતો.
ત્રણ દિવસની આ ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતી.શનિવારે રાહુલ ગાંધી દ્વારકામાં હેલિપેડ ખાતે આવી પહોંચતા કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર,અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. હેલિપેડથી રાહુલ ગાંધી દ્વારકાધીશ દર્શન કરવા પહોંચ્યા હતા.
ચિંતન શિબિરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું, જેમની સામે લડાઈ લડવાની છે, તેઓ કાવતરાખોર છે. રઘુ શર્માએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા સાથે ચાલતી પાર્ટી છે. કોંગ્રેસ 5 નેતાઓથી નથી ચાલતી, તે લાખો કર્યાકર્તાઓ પાર્ટીની સાથે છે અને તાકાત છે. ચિંતન શિબિરમાં વરિષ્ઠ નેતાઓની અધ્યક્ષતામાં 10 અલગ અલગ ગ્રુપ બનાવીને મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.