કોરોના મહામારીને વિશ્વમાં બાવન લાખ બાળકોએ તેમના માતા-પિતા અથવા વાલી ગુમાવ્યા છે. ભારતમાં 19 લાખથી વધુ બાળકોએ માતાપિતા અથવા વાલી ગુમાવ્યા છે તેમ લેન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત ૨૦ દેશના મોડેલિંગ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર ૧ મે, ૨૦૨૧થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીના છ મહિનામાં માતાપિતા ગુમાવનારા બાળકોની સંખ્યા વધીને બમણી થઇ ગઇ છે. આ આંકડાની સરખામણી મહામારીના પ્રથમ ૧૪ મહિના સાથે કરવામાં આવી છે.
આ અભ્યાસ મુજબ સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે અનાથ બનેલા બાળકોમાંથી બે તૃતિયાંશ બાળકોની ઉંમર ૧૦ થી ૧૭ વર્ષની વચ્ચે છે. લંડનની ઇમ્પિરિઅલ કોલેજ સાથે સંકળાયેલા અને આ અભ્યાસના મુખ્ય લેખક જુલિએટ અનવિનના જણાવ્યા મુજબ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોની સંખ્યા વધી શકે છે કારણકે હજુ સુધી વિશ્વના તમામ દેશોના મોતના આંકડા ઉપલબ્ધ થયા નથી.
આ સ્ટડીમાં ફક્ત ૨૦ દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જે પૈકી જર્મનીમાં ૨૪૦૦ બાળકોએ કોરોનામાં પોતાના માતાપિતા ગુમાવ્યા છે. પેરુ અને સાઉથ આફ્રિકામાં કોરોનાને કારણે અસર થઇ છે.