પ્રોપર્ટી વેબસાઇટ રાઇટમુવના જણાવ્યા મુજબ યુકેમાં પૂરવઠા કરતા માંગમાં વધારો થવાના કારણે યુકેમાં ઘર માટેની સરેરાશ આસ્કીંગ પ્રાઇસ £7,785થી વધીને £348,804 જેટલી થઇ છે. અગાઉના બે વર્ષની £9,000ની સરખામણીમાં, રોગચાળા પછીથી સરેરાશ આસ્કીંગ પ્રાઇસ £40,000 થઇ છે.
પ્રોપર્ટી વેબસાઈટ રાઈટમૂવના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં બજારમાં આવતા ઘરોની કિંમતમાં ફેબ્રુઆરીમાં રેકોર્ડ 2.3 ટકાનો વધારો થયો છે. 20 વર્ષમાં આ સૌથી મોટો માસિક વધારો છે. છેલ્લા 12 મહિનામાં, આસ્કીંગ પ્રાઇસ 9.5 ટકા વધી છે. મહિના દરમિયાન નવી પ્રોપર્ટી લિસ્ટિંગની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે. બીજી તરફ પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકોની સંખ્યામાં 16 ટકાનો વધારો થયો છે.
2016માં બ્રેક્ઝિટ મત પછી લંડનમાં પ્રોપર્ટીના ભાવ સ્થિર થયા હતા. પરંતુ હવે એસ્ટેટ એજન્ટોની પૂછપરછમાં સૌથી મોટો વાર્ષિક ઉછાળો નોંધાયો હતો – જે વર્ષે 24 ટકા વધ્યો હતો.
નેશનવાઇડે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં વેચાણ કિંમતો અગાઉના વર્ષના સમાન મહિનાની સરખામણીએ 11 ટકા વધી હતી. 2021માં પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન 2007 પછીના સર્વોચ્ચ સ્તરે હતા અને 2019ની સરખામણીએ લગભગ 25 ટકા વધારે હતા. બજારમાં ઘરોની સંખ્યા અને વધતી માંગ વચ્ચેનો તફાવત સતત વધતો ગયો હતો.
એજન્ટ નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ મિલકતના મૂલ્યોમાં સૌથી ઝડપી વૃદ્ધિ હોમ કાઉન્ટીઝ અને લંડનની બહારના વિસ્તારોમાં થઈ હતી. જ્યાં વિશાળ જગ્યા ધરાવતા ઘરો અને નજીકમાં સારી શાળાઓ વધુ ઇચ્છનીય હતી.