આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન જયંતી પી. ‘જે.પી.’રામાનું 74 વર્ષની ઉંમરે ગુરુવાર-17 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર જાણીને સદગતના અનેક મિત્રોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમની સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. જે.પી.ના નિધનના સમાચાર મળતા જ તેમના મિત્રો અને સાથીઓમાં શોક વ્યાપ્યો હતો. સહુએ અમેરિકા અને ભારતમાં તેમના પ્રોફેશનલ અને સખાવતી કાર્યોની પ્રશંસા કરી હતી.
વર્ષ 1996-97માં ‘આહોઆ’ના ચેરમેન રહેલા અને નોર્થ પોઇન્ટ હોસ્પિટાલિટીના સ્થાપક જે. કે. પટેલે જણાવ્યું હતું કે, મારા ગાઢ મિત્ર જે. પી. ને છેલ્લા 30 વર્ષથી ઓળખતો હતો. ‘આહોઆ’માં અમારા નેતૃત્ત્વ દરમિયાન અમે સાથે ખૂબ જ પ્રવાસ કર્યો હતો. તેઓ હંમેશા વ્યક્તિગત માલિકો સાથે કામ કરવામાં અને તેમને મદદ કરવામાં ખૂબ જ રૂચિ ધરાવતા હતા. દરેક વ્યક્તિ પોતાની વાત કહી શકે અને તેને સાંભળવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા હતા. નવી પેઢીના હોટેલિયર્સને એક મજબૂત પ્લેટફોર્મ મળે તે માટે તેમાં તેમને વધારે રસ હતો. મેં અને ગીતા એ જેપી અને ઇલાબેન સાથે વિશ્વનો સાથે પ્રવાસ કર્યો છે. અમે ઘણી મહત્વની બાબતોમાં ચર્ચા કરવામાં સાંજે સાથે સમય વિતાવ્યો છે. હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું, અમારા જીવનમાં જેપીનું ખૂબ જ મહત્વ હતું.’
‘આહોઆ’ના સહસ્થાપક અને લાસ વેગાસ સેન્ડ્સ કોર્પના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર માઇક લીવેને સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, હું અને જે. પી. રામ 1980ના દાયકાના અંતમાં મળ્યા હતા. તેઓ ખૂબ શાંત હતા અને તેઓ એચ.પી. રામાના મોટાભાઇ હતા. તેઓ ભારતીયો અથવા તો તે સમયે હોટેલ માલિકોના ભારતીય સમૂદાયના પ્રવક્તા પણ હતા. તેઓ એક વિનમ્ર સલાહકાર પણ હતા, તેઓ પડદા પાછળ રહીને માત્ર પરિવારજનોને જ નહીં પરંતુ તેમની નજીકના બીજા લોકોને પણ મદદ કરતા હતા.
‘આહોઆ’ના પ્રેસિડેન્ટ તરીકે તેમણે એ બાબત સુનિશ્ચિત કરી હતી કે, શાંતિપૂર્ણ પ્રગતિ વાસ્તવિક પ્રગતિ તરફ આગળ લઇ જાય છે. હું હંમેશા વિચારતો હતો કે, જો જેપી ત્યાં ન હોત તો શું થાત. જે.પી. શાંતિપૂર્ણ વિરોધ માટે ગાંધીજી જેવી દૃષ્ટિ ધરાવતા હતા. તેઓ તમામ સમજણ અને આવડત સાથે કામ કરવાની ક્ષમતાનું એકદમ યોગ્ય ઉદાહરણ હતું. અમારી મુલાકાતમાં હંમેશા તેઓ હસતાં જ જોવા મળતા હતા, હું તેને ક્યારેય ભૂલીશ નહીં.
નેવાડામાં હેન્ડરસનસ્થિત પ્લાન બી સોલ્યુશન્સ કન્સલ્ટન્સીના વડા અને મોશન રીઅલ્ટી, મોશન હોટેલ્સ એન્ડ મેનેજમેન્ટના ભૂતપૂર્વ માલિક રમેશ ગોકળે જે. પી. રામાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, હું, જેપી અને એચપીને કદાચ વર્ષ 1977માં મળ્યો હતો. તેમની પાસે બે પ્રોપર્ટી હતી. તે સમયે હું હોટેલ ખરીદવા ઇચ્છતો હતો. તેમણે મને એક બ્રોકર સાથે મુલાકાત કરાવી અને પછી તેઓ સારા મિત્રો બની ગયા. તે બ્રોકર અને હું ઘણા વર્ષો સુધી ભાગીદાર રહ્યા. મેં, જેપી સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું. અમે સાથે ઘણો પ્રવાસ કર્યો છે. ‘જેપી રામનો વારસો એ દર્શાવે છે કે, તમે ગમે તેટલા સફળ થયા હોવ, પરંતું વિનમ્રતા જાળવવી ખૂબ જરૂરી છે. જેપી અને તેમનો સમગ્ર પરિવાર હોટેલના બિઝનેસમાં ખૂબ જ સફળ થયો હતો. તેમણે અને તેમના ભાઈઓએ અંત સુધી કંપનીનું આધ્યાત્મિક રીતે નેતૃત્વ કર્યું હતું. અમારી મુલાકાત પ્રાસંગિક હતી પરંતુ જ્યારે પણ હું તેમને મળતો હતો ત્યારે તેમના ચહેરા પર હંમેશા ખુશી જોવા મળતી હતી.’
હિલ્ટનના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિસ નેસ્સેટ્ટાએ જે.પી. રામાને એક અતુલ્ય લીડર તરીકે નવાજ્યા હતા. ક્રિસ નેસ્સેટ્ટાએ તેમના સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, તેઓ અમારી ઇન્ડસ્ટ્રીના એક અતુલ્ય લીડર હતા અને તેઓ તેમના સમૂદાય પ્રત્યે હંમેશા સમર્પિત રહ્યા છે. હું નસીબદાર છું કે, મને તેમની ભાગીદારી અને મિત્રતા વર્ષો સુધી માણવા મળી છે. તેમની સલાહ ખૂબ જ કિંમતી હતી અને તેઓ તેમના સમૂદાય માટે સ્વપ્નદૃષ્ટા તરીકેનો અભિગમ ધરાવતા હતા. હિલ્ટન તરફથી અમે તેમના પરિવારજનો અને મિત્રોને દિલસોજી પાઠવીએ છીએ અને અમે જેપી ખૂબ જ યાદ કરીશું.’