નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલટેનબર્ગે ગુરુવારે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ ચાલુ કર્યું છે અને યુરોપ ખંડમાં શાંતિને વેરવિખેર કરી દીધી છે. તેમણે શુક્રવારે નાટોના વડાઓને સમીટ બોલાવી છે.નાટોના દેશો યુક્રેન અને રશિયા નજીકના તેના પૂર્વ ભાગમાં ભૂમિદળ, હવાઇદળ અને નૌકાદળને વધુ મજબૂત બનાવવા માટેની ઇમર્જન્સી મંત્રણામાં સંમત થયા બાદ નાટોના વડાએ નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેન સામે હુમલો કર્યો છે. આ યુદ્ધનું ઘાતકી પગલું છે. અમારા ખંડની શાંતિ વિરવિખેર થઈ ગઈ છે. આ ઇરાદાપૂર્વકનું, ઠંઠા કલેજાનું અને લાંબા સમયની યોજના આધારિત આક્રમણ છે.યુક્રેન અને રશિયાની નજીકના ઇસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા અને પોલેન્ડે નાટોની સ્થાપન થઈ તે સમયની સમજૂતીની કલમ 4 હેઠળ વિચારવિમર્શ કરવાની વિનંતી કર્યા બાદ નાટોની આ ઇમર્જન્સી બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે પ્રાદેશિક અખંડતા, રાજકીય સ્વતંત્રતા કે નાટોના કોઇ દેશની સુરક્ષા સામે જોખમ હોય ત્યારે આ કલમ હેઠળ ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવતી હોય છે.
તમામ સહયોગી દેશોની સુરક્ષા માટેની રક્ષણાત્મક યોજના મુજબ અમે નાટો એલાયન્સમાં સંરક્ષણ અને ડિફેન્સને વધુ મજબૂત કરવાના વધારાના પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. અમારા પગલે બિનઉશ્કેરણીજનક, યુદ્ધ અટકાવતા અને પ્રમાણસરના છે અને રહેશે. નાટોના 30માંથી કેટલાંક દેશો યુક્રેનને શસ્ત્રો, દારુગોળો અને બીજી સાધનસામગ્રીનો સપ્લાય આપી રહ્યાં છે, પરંતુ નાટો એક સંગઠન તરીકે નહીં. નાટો યુક્રેનના સપોર્ટમાં લશ્કરી કાર્યવાહી નહીં કરે. જોકે ઇસ્ટોનિયા, લાટવિયા અને લિથુઆનિયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેનના લોકોને પોતાનું રક્ષણ કરવા તાકીદે શસ્ત્રો, દારુગોળો અને બીજી લશ્કરી સહાય તથા આર્થિક, રાજકીય અને માનવીય સહાય આપવાની જરૂર છે.