કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંડરવર્લ્ડ સાથે કથિત સાંઠગાંઠ અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ બુધવારે મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકની ધરપકડ કરી હતી. કોર્ટે નવાબ મલિકને કોર્ટે 3 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઈડીએ મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા ગોવાવાલા કમ્પાઉન્ડની 3 એકર જમીનના મામલે તેમની ધરપકડ કરી હતી. આ જમીન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના કબજામાં હતી. આ જમીન તેણે મરિયમ નામની મહિલા પાસેથી લીધી હતી. આ જમીનને નવાબ મલિકે ઘણા વર્ષો પહેલા ખરીદી હતી.
પ્રધાનની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું હતું. ભાજપે નવાબ મલિકના રાજીનામાની માગણી કરી હતી. જેને મહાવિકાસ અઘાડી પાર્ટીના નેતાઓએ ફગાવી દીધી હતી.
ઈડીના વકીલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું કે, આ વર્ષે 3 ફેબ્રુઆરી, 2022એ દાઉદ ઈબ્રાહિમની સામે એફઆઈઆર નોંધાઈ હતી. દાઉદ ઘણી આતંકવાદી ગતિવિધિઓમાં અને મની લોન્ડ્રિંગના મામલામાં સામેલ છે. ઘણી જગ્યાએ દાઉદ ગેંગે ગેરકાયદે પ્રોપર્ટી પર કબજા કર્યા છે. જેના દ્વારા ટેરર એક્ટિવિટી માટે ફંડ ભેગું કરાય છે. તેમણે કહ્યું કે, દાઉદની બધી ગેરકાયદેસર પ્રોપર્ટીઝ અને ગેરકાયદેસર ધંધા હસીના પારકર કન્ટ્રોલ કરતી હતી. હાલ તેનું નિધન થઈ ચૂક્યું છે. હસીનાએ કુર્લા સ્થિત ગોવાવાલા કમ્પાઉન્ડમાં પણ પ્રોપર્ટી પર કબજો કર્યો હતો. મુનીરા અને મરિયમ નામની બે મહિલાઓ આ પ્રોપર્ટીની અસલી માલિક છે. આ તેમની પૈત્રુક જમીન હતી. જેનો માલિકી હક પણ તે બંને પાસે હતો. એ બંનેના સ્ટેટમેન્ટ પણ ઈડીએ રેકોર્ડ કર્યા છે.