વિરોક્ષ પક્ષો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવે તેવી અટકળોને વેગ મળ્યો છે. ચૂંટણી વ્યૂહકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોર રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે નીતિશ કુમારને સમર્થન આપવા ભાજપ સિવાયના પક્ષોને એકજૂથ કરી રહ્યાં હોવાના અહેવાલ છે. નીતિશ કુમારે તાજેતરની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રશાંત કિશોરને મળ્યા હતા.
મહારાષ્ટ્રના એનસીપીના નેતા નવાબ મલિકે આ અટકળોને વેગ આપ્યો છે. શરદ પવારના આગેવાની હેઠળની પાર્ટીના આ નેતાએ જણાવ્યું હતું કે જો નીતિશ કુમાર ભાજપ સાથે છેડો ફાડી નાંખે તે તેમનો પક્ષ દેશના સર્વોચ્ચ પદ માટે જેડીયુના નેતાને સમર્થન આપવા તૈયાર છે.
જોકે નીતિશ કુમારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે હાથ જોડીને જવાબ આપ્યો હતો કે આ બાબત મારા મનમાં પણ નથી. જોકે સાથી પક્ષ ભાજપે આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપી નથી. ભાજપ લોકસભામાં બહુમતી ધરાવે છે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે તેને બીજા પક્ષોની જરૂર પડી શકે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત જુલાઈમાં પૂરી થાય છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નીતિશના નામ અંગે તેમના કટ્ટર હરીફ લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. લાલુના પુત્ર તેજ પ્રતાપ યાદવે સવાલ કર્યો હતો કે હત્યાના આરોપી દેશના સર્વોચ્ચ પદ માટે કેવી રીતે ચૂંટાઈ શકે. જોકે રાજદના પ્રવક્તા મૃત્યુંજય તિવારી શક્તિ યાદવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એક બિહારી તરીકે ગર્વ થશે, પરંતુ જેને લાલુજી વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જોતા હતા તે કુમારે ભાજપ સાથે જોડાણ કરીને વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.