પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત સાથેના મતભેદનો ઉકેલ લાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીવી ડિબેટ કરવાની મંગળવારે ઓફર કરી હતી. રશિયાની બે દિવસની મુલાકાતની પૂર્વ સંઘ્યાએ રશિયાના ટીવી નેટવર્ક આરટીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને આ ઇચ્છા દર્શાવી હતી.
એક પ્રશ્નના જવાબમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે “મને ટીવી પર નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવાનું ગમશે.” જો ચર્ચા મારફત પાકિસ્તાન અને ભારત વચ્ચેના મતભેદનો ઉકેલ આવી શકે તો આ ભારતીય ઉપખંડના આશરે એક અબજ લોકો માટે સારા સમાચાર હશે.
પાક.ના વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમનો પક્ષ 2018માં સત્તા પર આવ્યો ત્યારે તેમણે તરત ભારતનો સંપર્ક કર્યો હતો અને ભારતના નેતાઓને ટેબલ પર બેસીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા પહેલ કરી હતી. જોકે ભારતે તેમની આ પહેલનો હકારાત્મક જવાબ આપ્યો ન હતો.
પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોએ 2016માં પઠાણકોટ એર ફોર્સ બેઝ પર ત્રાસવાદી હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ઉરીમાં ભારતના આર્મી કેમ્પ પરના ત્રાસવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ કથળ્યા હતા. પુલવામા ત્રાસવાદી હુમલાના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી અને તેનાથી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.ઇમરાન ખાને રશિયા અને યુક્રેન વચ્ચેના હાલના સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ માટે આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લશ્કરી સંઘર્ષથી ક્યારેય સમસ્યાનો ઉકેલ આવતો નથી. હું લશ્કરી સંઘર્ષમાં માનતો નથી. હું માનું છું કે સભ્ય સમાજ વિચારવિમર્શ મારફત મતભેદનો ઉકેલ લાવે છે અને લશ્કરી સંઘર્ષ પર આધાર રાખતા દેશોએ ઇતિહાસનો બરોબર અભ્યાસ કર્યો હોતો નથી. ખાને જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાના લોકો યુદ્ધના પરિણામો સારી રીતે જાણતા હશે તેવો મને વિશ્વાસ છે.