‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન જયંતી પી. – ‘જે.પી.’ રામાનું 74 વર્ષની ઉંમરે ગુરુવારે અમદાવાદમાં અવસાન થયું છે. આજે ઓરો હોટેલ્સ તરીકે ઓળખાતી, અગાઉની જેએચએમ હોટેલ્સના તેઓ સ્થાપક હતા.
સ્વ. જયંતીભાઇ પ્રભુભાઇ રામાના અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવદેહ મંગળવાર, 22 ફેબ્રુઆરીએ સુરતમાં ડુમસ રોડ ખાતેના તેમના નિવાસસ્થાન રીવર વિન્ડ રેસિડેન્સીમાં રાખવામાં આવશે. સદગતનાં અંતિમ સંસ્કાર મંગળવારે બારડોલી સ્મશાનભૂમિ ખાતે કરાશે, જ્યારે પ્રાર્થનાસભા બુધવાર, 23 ફેબ્રુઆરીએ સુરતમાં ઇચ્છાપોર હજીરા રોડ પરની ઓરો યુનિવર્સિટીના ડિસ્કવરી હોલમાં સાંજે 4થી 6 કલાક દરમિયાન યોજાશે.
જે.પી.ના નિધનના સમાચાર મળતા તેમના મિત્રો અને સાથીઓએ અમેરિકા અને ભારતમાં તેમના પ્રોફેશનલ અને સખાવતી કાર્યોની પ્રશંસા કરી હતી.
રામાના પુત્ર ડી. જે. રામા સહિતના પરિવારજનો ઈન્ડિયામાં અમદાવાદ પહોંચી ગયા છે. ડી. જે. રામા સાઉથ કેલિફોર્નિયામાં ગ્રીનવિલે સ્થિત ઓરો હોટેલ્સના સીઇઓ અને પ્રેસિડેન્ટ છે.
આહોઆના ચેરમેન વિનય પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે.પી. રામા 1997થી 1998 સુધી આહોઆના ચેરમેન હતા. તેમના કાર્યકાળમાં જાગૃતિ અભિયાન દ્વારા એસોસિએશનની મેમ્બરશિપ ઊભી કરવા, ટાઉન હોલ મીટિંગ્સ અને દેશભરમાં શૈક્ષણિક સેમિનારના આયોજન માટે ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેમણે યુવાનોને આહોઆ અને ઇન્ડસ્ટ્રીમાં સક્રીય થવા અનુરોધ કર્યો હતો. તેઓ આહોઆના સ્થાપક એચ. પી. રામા અને આહોઆના ભૂતપૂર્વ ચેરમેન એમ.પી. રામાના ભાઇ હતા.
તેમણે ઓરો હોટેલ્સના બોર્ડમાં વાઇસ ચેરમેન તરીકે ઓપરેશન્સ, ખરીદી, ડિઝાઇન-ઇન્ટિરિયર્સ અને નવા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2017માં જેએચએમ હોટેલ્સની ચાર કંપનીનું વિસર્જન કરીને તેમાંથી એક કંપની બનાવવામાં આવી હતી.
વિનય પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રામા પરિવારે તેમના વતન, દક્ષિણ ગુજરાતના સરોણા ગામમાં વંચિતો માટે એક સ્કૂલ, પાણીના શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ અને 200 ઘરો બનાવીને ભારતમાં ઉદારતાથી સખાવતી કાર્યોમાં ફાળો આપ્યો છે. તેમણે પ્રદેશમાં ચિલ્ડ્રન પાર્ક અને આંખની હોસ્પિટલના વિકાસમાં પણ યોગદાન આપ્યું છે.’
આ ઉપરાંત ‘અમેરિકામાં તેમણે ‘ધ રામા સ્કોલરશિપ ફોર ધ અમેરિકન ડ્રીમ’ને 1,000,000 ડોલરની ભેટ આપી હતી, જે હોસ્પિટાલિટી સ્કૂલમાં અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરે છે. ભારતમાં શિક્ષણ પ્રત્યે પરિવારની પ્રતિબદ્ધતા યથાવત છે, જ્યાં ઓરો હોટેલ્સ દ્વારા સુરતમાં ઓરો યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનું પણ સંચાલન કરે છે. તે એક ખાનગી યુનિવર્સિટી છે અને તે હવે ભારતની ટોચની MBA કોલેજોમાં જાણીતી છે.’ જે. પી. રામાના નિધનથી આહોઆમાં શોકનો માહોલ છવાયો છે. આહોઆના ભૂતપૂર્વ ચેરમેન માઇક પટેલે જે. પી. રામા સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા.