યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 23-24 ફેબ્રુઆરીએ રશિયાની મુલાકાત લેશે, એમ ઇસ્લામાબાદમાં ડિપ્લોમેટિક સૂત્રોએ જણાવ્યું હતું. આ મુલાકાત પાકિસ્તાનના કોઇ વડાપ્રધાનની 23 વર્ષમાં પ્રથમ મોસ્કો મુલાકાત હશે.
પાકિસ્તાન વિદેશ ઓફિસના અધિકારીએ પુષ્ટી આપી હતી કે વડાપ્રધાન ખાન 23-24 ફેબ્રુઆરીએ મોસ્કોની મુલાકાત લેશે. તેમને રશિયાએ આમંત્રણ આપ્યું છે અને વડાપ્રધાન ખાન ટોચની નેતાગીરી સાથે દ્વિપક્ષીય મુદ્દાની ચર્ચા કરશે. રશિયાના પ્રેસિડન્ટના પ્રવક્તાએ રવિવારે પુષ્ટી આપી હતી કે વડાપ્રધાન ખાનની મુલાકાતની તૈયારી ચાલુ છે.
અગાઉ 1999માં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરિફે મોસ્કોની મુલાકાત લીધા હતા. તાજેતરના વર્ષોમાં નવા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પાકિસ્તાન અને રશિયા વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. બીજી તરફ અમેરિકા સાથેના તેના સંબંધો અગાઉ જેટલા સારા રહ્યાં નથી.