700 થી વધુ સબ-પોસ્ટમાસ્ટર પર ચોરી, છેતરપિંડી અને ખોટા એકાઉન્ટિંગનો ખોટો આરોપ મૂકી ઘણાં બધા સબ-પોસ્ટમાસ્ટર્સને ખોટી રીતે દોષિત ઠેરવી તેમના જીવન અને પ્રતિષ્ઠાને બરબાદ કરનાર પોસ્ટ ઓફિસ કૌભાંડ – ફિયાસ્કોની લાંબા સમયથી રાહ જોવાતી તપાસ આખરે શરૂ થઇ ચૂકી છે. બ્રિટનના કાનુની ઈતિહાસમાં ન્યાયની સૌથી વ્યાપક કસુવાવડ સમાન આ કૌભાંડનો ભોગ બનેલા કુલ 72 ભૂતપૂર્વ સબ-પોસ્ટમાસ્ટરોને અત્યાર સુધીમાં નિર્દોષ જાહેર કરાયા છે. કમનસીબી એ છે કે ન્યાયની રાહ જોતા 33 કર્મચારીઓ પોતાને કલંકિત માનીને મૃત્યુ પામ્યા છે.
3,500 પોસ્ટમાસ્ટરો પર તેમના વ્યવસાયોમાંથી નાણાં લેવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે સાચી હકિકત એ હતી કે ખુદ પોસ્ટ ઓફિસની હોરાઇઝન નામની કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી હતી.
એક વખત પોતાના સમાજ અને શહેરમાં મોભાદાર ગણાતા કેટલાય પોસ્ટમાસ્ટર્સ ખોટુ કલંક લાગવાના કારણે શરમજનક સ્થિતીમાં મુકાયા હતા અને લગભગ આત્મહત્યા કરવા માટે પ્રેરિત થયા હતા.લગભગ 700 પોસ્ટમાસ્ટર, જેમાંથી ઘણા તેમના સમુદાયના આધારસ્તંભ હતા, છેતરપિંડી અને ચોરી સહિતના ગુનાઓમાં ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ડઝનેક પોસ્ટ ઓફિસ વર્કર્સને તો ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
પોસ્ટ ઓફઉસની ભૂલનો ભોગ હવે કરદાતાને બનાવી વળતર અને કાનૂની ફીમાં £1 બિલિયન સુધીના બિલ માટે નોટિસ આપવામાં આવી છે.આગામી મહિને લંડન, લીડ્સ અને કાર્ડિફમાં થનારી સુનાવણીમાં 50થી વધુ પોસ્ટમાસ્ટર પુરાવા આપે તેવી અપેક્ષા છે અને ‘100 થી વધુ’ લોકોએ લેખિત નિવેદનો આપ્યા છે. આ તપાસ આખું વર્ષ ચાલે તેવી અપેક્ષા છે. તેમાં તપાસ કરાશે કે શું પોસ્ટ ઓફિસ IT સિસ્ટમમાં ખામીઓ વિશે જાણતી હતી અને સ્ટાફે દોષ કેવી રીતે ઉઠાવ્યો હતો.
બેરિસ્ટર જેસન બીયર ક્યુસીએ જણાવ્યું હતું કે ‘’ભૂતપૂર્વ સબ-પોસ્ટમાસ્ટર અને પોસ્ટનીસ્ટ્રેસની વાતો આ તપાસના કેન્દ્રમાં હોવી જોઈએ. આ કૌભાંડના કારણે લોકોના જીવન બરબાદ થઈ ગયાં, પરિવારો તૂટી ગયા, પરિવારો બેઘર અથવા નિરાધાર બન્યા હતા.”
તપાસનું નેતૃત્વ કરી રહેલા હાઇકોર્ટના નિવૃત્ત જજ સર વિન વિલિયમ્સે તેમની શરૂઆતની ટિપ્પણીમાં, 50થી 60 સાક્ષીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ આગામી અઠવાડિયામાં મૌખિક પુરાવા સાંભળવાની અપેક્ષા રાખે છે.
સર વિને કહ્યું હતું કે ‘’મેં ઘણા લોકોને થયેલા નુકસાનના પ્રમાણ અને તેની પ્રકૃતિને સમજવાની કોશિશ કરી છે. જો ખૂબ જ દુઃખદાયક યાદો અને ઘટનાઓને જાહેરમાં ફરીથી જીવંત કરવા માટે તેમનો મૂલ્યવાન સમય આપવા માટે તે સાક્ષીઓ સંમત થયા ન હોત તો આ સુનાવણી બિલકુલ થઈ ન હોત. પીડિતોને ‘કઠોર સજાઓ’ ભોગવવી પડી હતી. તેમના જીવન બરબાદ થઈ ગયાં હતાં, પરિવારો તૂટી ગયા હતા, બેઘર અને નિરાધાર બન્યા હતા અને પ્રતિષ્ઠાનો નાશ થયો હતો’
પોસ્ટ ઓફિસના બોસ સ્વીકારે છે કે મે’ 2020થી પોસ્ટ માસ્ટર્સને વળતર આપવા માટે એક સ્કીમ ખોલવામાં આવી છે પણ ત્યારથી અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામ્યા છે. તે ઉપરાંત ચાર લોકોએ તો પોતાનો જીવ લઇ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. જ્યારે 15થી વધુ લોકો એક અલગ હાઇકોર્ટની કાર્યવાહીનો ભાગ હતા અને તેઓ પાછળથી મૃત્યુ પામ્યા હતા.
પોસ્ટ ઓફિસે ડેઇલી મેઇલ સમક્ષ હિસ્ટોરિકલ શોર્ટફોલ સ્કીમ અથવા HSS બાબતે કબુલાત કરતાં જણાવ્યું હતું કે આ યોજના શરૂ થયાના લગભગ બે વર્ષ પછી, તેના માટે અરજી કરનારા પાંચમાંથી ત્રણ પોસ્ટમાસ્ટર્સ હજુ વળતરની રાહ જોઈ રહ્યા છે. આ યોજનાની અરજીઓ ઓગસ્ટ 2020માં બંધ થઈ હતી અને અત્યાર સુધીમાં 2,300 અરજદારોમાંથી માત્ર 900ને જ ઑફર મળી છે. જો સ્કીમના અરજદારનું મૃત્યુ થાય તો પૈસા તેમના વારસોને ચૂકવવામાં આવે છે.
પોસ્ટ ઓફિસે નુકશાન વળતર માટે મોટા પ્રમાણમાં ઓછો અંદાજ કરી વળતરને આવરી લેવા માટે માત્ર £35 મિલિયનની ફાળવણી કરી હતી. જે આંકડો હવે વધીને £153 મિલિયન થઈ ગયો છે.
પોસ્ટમાસ્ટર્સ માટે લાંબા સમયથી ઝુંબેશ ચલાવનાર ટોરી પીઅર લોર્ડ આર્બુથનોટે કહ્યું હતું કે ‘પોસ્ટ ઓફિસમાં વિલંબ, અસ્પષ્ટતા અને પ્રતિબંધ જોતાં મને ડર લાગે છે. પોસ્ટ ઓફિસનું કલ્ચર બિલકુલ બદલાઈ ગયું છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.’
લેબર એમપી કેવન જોન્સે કહ્યું હતું કે ‘આ આખા કૌભાંડની વિનાશક દુર્ઘટના પર પ્રકાશ પાડે છે. સરકારે આગળ વધવું જોઈએ અને બધાને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે જેઓ દુઃખી રીતે મૃત્યુ પામ્યા છે તેમના વારસોને પણ વળતર મળે.’
પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ નિક રીડે સાંસદોને કહ્યું છે કે ‘અમે યોગ્ય કરીએ છીએ તેની ખાતરી કરીશુ અને તે પ્રાથમિકતા હશે. ઓક્ટોબરમાં નિર્ણાયકોની બીજી પેનલની નિમણૂક કરવામાં આવી હતી અને મને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં 95 ટકા દાવાઓ પર પ્રક્રિયા કરવામાં આવશે.પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ કહ્યું: ‘અમને હોરાઇઝન કૌભાંડની માનવીય કિંમત વિશે કોઈ શંકા નથી. અમે શક્ય તેટલી ઝડપથી વાજબી, સંપૂર્ણ અને અંતિમ વળતર આપવા માટે અમારાથી બનતું તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.’
પોસ્ટમાસ્ટર્સ દ્વારા 20-વર્ષની ઝુંબેશને પગલે ગયા વર્ષે સરકાર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ એક દાયકા સુધી કવર-અપ કર્યું હતું.તપાસ કોણ શું અને ક્યારે જાણતું હતું તે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી, પોસ્ટ ઓફિસના કોઈ બોસ, સિવિલ સર્વિસ અધિકારીઓ અથવા મંત્રીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.
આરોપ ચોરીનો પણ વળતર કેટલું?
એક અલગ અને અગાઉની હાઈકોર્ટની કાર્યવાહીમાં 550 પોસ્ટમાસ્ટરોએ પોસ્ટ ઓફિસ પર સફળતાપૂર્વક દાવો માંડ્યો હતો, પરંતુ કાનૂની ફી બાદ તેમનો £58 મિલિયનનો પુરસ્કાર ઘટાડીને £12 મિલિયન કરવામાં આવ્યો હતો, અને તેમને દરેકને લગભગ £20,000 મળ્યા હતા. તેમને HSS દ્વારા દાવો કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, અને તેઓ સુધારેલા સોદા માટે લડી રહ્યા છે. સરકારે છેતરપિંડી જેવા ગુનાઓમાં ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવેલા 706 પોસ્ટમાસ્ટર્સ માટે મહત્તમ ચૂકવણીનો £780 મિલિયનનો અલગ અંદાજ પણ પ્રકાશિત કર્યો છે.
HSS ની ધીમી પ્રગતિએ તેને કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે તે અંગે ચિંતા પેદા કરી છે, નાના નિર્ણયો પણ ખર્ચાળ વકીલોને મોકલવામાં આવે છે.