– બાર્ની ચૌધરી દ્વારા
ઈંગ્લેન્ડ અને વેલ્સની દરેક પોલીસ સેવામાં રેસિઝમ, પૌરૂષત્ત્વના મિથ્યાભિમાન અને ઈસ્લામોફોબીઆના કલ્ચર વિષે તમામ સ્તર અને વિગતોને આવરી લેતી વ્યાપક તપાસ હાથ ધરાવી જોઈએ. આવી માંગણી હાલમાં સેવારત અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ, સાઉથ એશિયન સમુદાયના અને બ્લેક સમુદાયના સાંસદોએ કરી છે. ગરવી ગુજરાત સાથેની વાતચિતમાં તેઓએ કહ્યું છે કે, તેઓ માને છે કે, આવી સમસ્યા ફક્ત મેટ્રોપોલિટન પોલીસમાં જ નથી.
એક લેબર એમપીએ તો એવું પણ કહ્યું હતું કે, પોલીસ તંત્રમાં “કવરિંગ અપ” (છાવરવું) નું એક કલ્ચર પ્રવર્તી રહ્યું છે, તો હાલમાં પણ સેવારત એવા એક પોલીસ અધિકારીના કહેવા મુજબ તો અપરાધી ગેંગ્સમાં – માફીઆ ગેંગ્સમાં હોય તેવો એક મૌનનો નિયમ (કોડ ઓફ સાયલન્સ) પણ પોલીસ તંત્રમાં છે.
ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ માટે લખેલા એક એક્સક્લુઝિવ લેખમાં બ્રેન્ટ સેન્ટ્રલના લેબર એમપી ડોન બટલરે કહ્યું છે કે, પોલીસ તંત્રમાં હવે પરિવર્તનની તાતી જરૂરત છે. તેમણે એવું લખ્યું છે કે, “શક્તિશાળી નેતૃત્ત્વનો અર્થ એવો થાય કે, પોલીસ તંત્રમાં એક એવી સંસ્થાકિય સંસ્કૃતિનું નિર્માણ થવું જોઈએ કે જેમાં પોતાના અસ્તિત્ત્વની ચિંતા કરતાં જાહેર જનતાની સેવાને પ્રાથમિકતા અપાતી હોય. છાવરવાની સંસ્કૃતિને આગળ વધતી અટકાવવી જ પડે.”
ગયા સપ્તાહે, મેટ પોલીસના વડા (કમિશનર) તરીકે ક્રેસિડા ડિકે રાજીનામુ આપ્યું હતું અને તે માટે એવું કારણ આપ્યું હતું કે, તેમણે લંડનના મેયર સાદિક ખાનનો વિશ્વાસ ગુમાવી દીધો છે.
પોલીસ વોચડોગ – આઈઓપીસીએ એવો અહેવાલ આપ્યો હતો કે ચેરિંગ ક્રોસના પોલીસ અધિકારીઓએ રેપ (બળાત્કાર) વિષે જોક્સ કર્યા હતા અને અપમાનજનક સોશિયલ મીડિયા મેસેજ એકબીજાને મોકલ્યા હતા, તેવી બાબતોને હળવાશથી લીધી હતી. આ કૃત્ય ક્રેસિડા ડિકની વિદાય માટેનું નિમિત્ત બન્યાનું મનાય છે.
સાદિક ખાને પણ કહ્યું છે કે, પોલીસ તંત્રનું નબળું કલ્ચર સમગ્ર યુકેમાં પ્રવર્તી રહેલી સમસ્યા છે. લંડનના મેયરે કહ્યું હતું કે, આપણે એ વાતની તકેદારી લેવી પડે કે, સમગ્ર યુકેમાં 43 અલગ અલગ પોલીસ તંત્ર છે અને એ તમામમાં રેસિઝમ, સેક્સિઝમ, પૌરૂષત્ત્વનું મિથ્યાભિમાન (મિસોજીની) અને ઈસ્લામોફોબિઆને કોઈ સ્થાન હોય નહીં. સાદિક ખાને ક્રેસિડા ડિકના રાજીનામાની ગણતરીની કલાકો પહેલા ગરવી ગુજરાત સાથેની વાતમાં આ મુજબ કહ્યું હતું.
ખાને વધુમાં કહ્યું હતું કે, હું અત્યંત ખેદની, રોષની લાગણી અનુભવું છું અને તેનું કારણ એ છે કે, આવા એકાદ-બે નહીં, 14 પોલીસ ઓફિસર્સ છે. અને આવા કિસ્સાઓ કઈં પહેલીવારના નથી કે છુટાછવાયા પણ નથી. તાજેતરના મહિનાઓમાં મેટ પોલીસની શ્રેણીબદ્ધ ભૂલો, અતિરેકોના કારણે આકરી ટીકા છે. મેટ પોલીસના એક સેવારત અધિકારીએ સારાહ એવરાર્ડ ઉપર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરી હતી, તો બે મહિલાઓની હત્યા કરાયાના કિસ્સામાં તેના મૃતદેહોના ફોટા લઈ વોટ્સએપ ઉપર એકબીજાને મોકલવા બદલ બીજા બે પોલીસ અધિકારીઓને જોબમાંથી કાઢી મુકાયા હતા. સાદિક ખાનના મતે ક્રેસિડા ડિક તેમના પોલીસ તંત્રમાં આવી ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવવાની કોઈ યોજના ઘડી શક્યા નહોતા.
બીબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં મેટ પોલીસના ડેપ્યુટી કમિશનર અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદના ભાઈ બાસ જાવિદે કહ્યું હતું કે, કેટલાક અોફિસર્સ રેસિસ્ટ મંતવ્યો ધરાવે છે, તેઓ રેસિસ્ટ જ છે. બાસ જાવિદ મેટ પોલીસમાં પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ માટે જવાબદાર છે.