ગુજરાતમાં ધોલેરા (સર-સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિઅન)માં દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સ્થપાય અને તેની સાથે સંકળાયેલી ઔદ્યોગિક ઇકો-સિસ્ટમ પણ અહીં જ આવે તેવી શક્યતા છે. ખાનગી એરક્રાફ્ટ ક્ષેત્રમાં આ પહેલો સંપૂર્ણ ‘મેક ઇન ઇન્ડિયા’ એરોસ્પેસ પ્રોગ્રામ હશે. આ યુનિટમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને વિમાનના મેન્ટેનન્સ સુધી સંપૂર્ણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો વિકાસ સામેલ છે.
ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે એરબસે સપ્ટેમ્બર 2021માં 2.8 બિલિયન ડોલરનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ એરબસ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના નેતૃત્વવાળા કન્સોર્ટિયમ સાથે ભાગીદારીમાં ભારતમાં 40 C-295MW એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. ભારત સરકાર સાથે કરાયેલા આ કરાર મુજબ એરબસે વિમાનમાં વપરાતા પાર્ટસના મિનિમમ 30 ટકા પાર્ટસને ભારતીય કંપની પાસેથી ખરીદવા પડશે. ધોલેરામાં તૈયાર થઇ રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 4,000 મીટર અને 2,910 મીટરના બે રનવે હશે. જે એરબસ-ટાટા સંકુલ માટે ફ્લાઇટ-ટેસ્ટિંગ કરવા ખૂબ ઉપયોગી બનશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ રિપોર્ટના આધારે સંરક્ષણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ માટે નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર જારી કર્યું છે. એરપોર્ટને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય પાસેથી પર્યાવરણ મંજૂરી પણ મેળવવામાં આવી છે.