તપાસ એજન્સી સીબીઆઇએ મંગળવારે ગુજરાત સ્થિત એબીજી શિપયાર્ડના રૂ.૨૨,૮૪૨ કરોડ બેન્ક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રિશી કમલેશ અગ્રવાલ અને અન્ય આઠ સામે મંગળવારે લુકઆઉટ નોટિસો જારી કરી છે. આરોપીને દેશ છોડીને જતા અટકાવવા લુકઆઉટ નોટિસો જારી કરાઇ છે.
સીબીઆઇએ એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ત્યારના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રિશી કમલેશ અગ્રવાલ અને અન્યો સામે બેન્કોના કોન્સોર્ટિયમ સાથે રૂ.૨૨,૮૪૨ કરોડની કથિત છેતરપિંડી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં તપાસ ચાલુ કરી સીબીઆઇએ ૧૨ ફેબ્રુઆરીના રોજે ૧૩ સ્થળોએ સર્ચ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમને આરોપી લેણદાર કંપનીના ખાતાઓ સહિત અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.
બેન્કે આ વર્ષે ઓગસ્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી. દોઢ વર્ષની ચકાસણી પછી સીબીઆઇએ ફરિયાદ પર પગલું લીધું હતું. કંપનીએ આઇસીઆઇસીઆઇ બેન્કની આગેવાનીમાં ૨૮ બેન્કો અને નાણાં સંસ્થાઓ પાસેથી ક્રેડિટ ફેસિલિટીઝની મંજૂરી મેળવી છે. અર્ન્સ્ટ એન્ડ યંગના ફોરેન્સિક ઓડિટ દર્શાવે છે કે ૨૦૨૧-૧૭ વચ્ચે આરોપીઓ એકબીજા સાથે મળ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. જેમાં ભંડોળના ડાયવર્ઝન, અપ્રમાણસરની સંપત્તિ તેમજ વિશ્વાસનો ગુનાઇત ભંગનો સમાવેશ થાય છે. સીબીઆઇ દ્વારા ઇતિહાસમાં નોંધાયેલું અત્યારસુધીનું સૌથી મોટુ બેન્ક કૌભાંડ છે. આ ભંડોળનો ઉપયોગ તેમને જે હેતુ માટે મંજૂર કરાયો હતો તેનાથી વિપરીત હેતુ માટે કરાયો હતો.