ભારતની પુરૂષોની હોકી ટીમે સાઉથ આફ્રિકાને એફઆઇએચ હોકી પ્રો લીગમાં ૧૦-૨થી હરાવી આ સ્પર્ધામાં ગયા સપ્તાહે ગુરૂવારે (10 ફેબ્રુઆરી) સતત બીજો વિજય મેળવ્યો હતો. ભારત એ અગાઉ ફ્રાન્સ સામે ૫-૦થી વિજેતા રહ્યું હતું. જે પછી યજમાન સાઉથ આફ્રિકા સામે પ્રભાવશાળી જીત હાંસલ કરી હતી. ૧૨મી ફેબ્રુઆરીએ જો કે ફ્રાન્સે ભારતને 5-2થી હરાવી બાજી સરભર કરી હતી.
સાઉથ આફ્રિકા સામેના જંગમાં ભારતના વિજયમાં યુવા ખેલાડી જુગરાજ સિંઘની ભૂમિકા મહત્વની રહી હતી. તેણે ત્રણ ગોલ સાથે હેટટ્રિક કરી હતી. ભારતનો આ યુવા ડ્રેગ ફ્લિકર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તો ગુરસાહિબજીત સિંઘે બે ગોલ ફટકાર્યા હતા. હરમનપ્રીત, અભિષેક, દિલપ્રીત સિંઘ અને મનદીપ સિંઘે એક-એક ગોલ નોંધાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવ્યા પછી ભારતની મેન્સ હોકી ટીમનો જુસ્સો આસમાને છે અને પ્રો હોકી લીગમાં ટીમે ધમાકેદાર શરૃઆત કરી હતી. ભારત સળંગ બે વિજય સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું હતું.