સીબીઆઇએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમ સાથે આશરે રૂ.22,842 કરોડ (આશરે 3.03 બિલિયન ડોલર)ની કથિત છેતરપિંડી કરવા બદલ ગુજરાત સ્થિત એબીજી શીપયાર્ડ, તેના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્ય લોકો સામે સાત ફેબ્રુઆરીએ ફરિયાદ દાખલ કરી હતી. ભારતના શિપબિલ્ડિંગ ક્ષેત્રની અગ્રણી ખેલાડી એબીજી શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરતથી બિઝનેસ કરે છે. દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડમાં અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ થઈ છે.
કંપનીના તત્કાલિન સીએમડી ઋષિ અગ્રવાલ ઉપરાંત તત્કાલિન એક્જિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશિલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના નામોનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. 2012-17ના સમયગાળા દરમિયાન આ કેસના આરોપીઓએ એકસાથે મળીને ફંડને બીજે વાપરવાથી લઈને નાણાનો દુરુપયોગ અને વિશ્વાસભંગ સહિતનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે.
ભારતની આશરે 28 બેંકો અને નાણા સંસ્થાઓ કથિત કૌભાંડનો ભોગ બની છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી હતું. બેંકનું કહેવું છે કે, કંપની પર રૂ. 2,925 કરોડનું દેવું છે. અન્ય બેંકોમાં ICICI બેંકના રૂ. 7,089 કરોડ, IDBI બેંકના રૂ. 3,634 કરોડ, બેંક ઓફ બરોડાના રૂ. 1,614 કરોડ, PNBના રૂ. 1,244 કરોડ અને IOBના રૂ. 1,228 કરોડ આ કૌભાંડમાં ફસાયા હોવાનું માનવામાં આવે છે.
આ કૌભાંડને પગલે રાજકીય આક્ષેપો પણ થયા હતા. આ કૌભાંડનો ઉલ્લેખ કરતાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શનિવારે દાવો કર્યો હતો કે ભારતમાં જ્યારે કોઇ મોટું કૌભાંડ બહાર આવે છે ત્યારે એક ચોક્કસ જગ્યાના લોકો સંડોવાયેલા હોય છે. ગરીબ લોકોએ બેન્ક લોન લેવા માટે પોતાની જમીન જામીન પર મૂકવી પડે છે, જ્યારે મોટા બિઝનેસમેન જંગી લોન લીધા પછી વિદેશ ભાગી જાય છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારની નીતિ છે કે, બેન્કોના પૈસા લૂંટો અને ભાગી જાવ. મોદી સરકારના શાસનમાં દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી થઈ છે.