કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડાને પગલે ગુજરાત સરકારે સોમવારે બાળમંદિર અને આંગણવાડી શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. આમ રાજ્યમાં હવે કોરોના મહામારીને બે વર્ષ બાદ 17 ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ ચાલુ થશે. આમ હવે રાજ્યોમાં તમામ ધોરણો અને કોલેજમાં વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું છે.
આ અંગેની જાહેરાત કરતા સરકારના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણકાર્ય કોરોના પહેલાના સ્તરે લઈ જવા સરકાર પ્રતિબદ્ધ છે. બાળમંદિર, આંગણવાડી અને પ્રી-સ્કૂલ ગુરૂવારથી ફરી શરૂ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જોકે સરકારે SOP અંતર્ગત નાના બાળકોને પણ શાળાએ મોકલવા માટે વાલીઓની સંમતિ ફરજિયાત રાખી છે. રાજ્યમાં 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું હતું. કોરોના મહામારીથી વર્ષ 2020માં સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું.