ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022ની સિઝન માટે શનિવારે યોજાયેલા મેગા ઓક્શનના પ્રથમ દિવસે ઘણા યુવાન ખેલાડીઓને લોટરી લાગી હતી, જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર મળ્યા ન હતા. પ્રથમ દિવસે 74 ખેલાડીઓ વેચાયા હતા, જેમાં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી રહ્યો. જ્યારે અવેશ ખાન સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો હતો. બેંગલુરૂમાં યોજાયેલી હરાજીમાં શિખર ધવન સૌ પ્રથમ વેચાયો હતો. તેને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, જ્યારે ભારતનો યુવાન બેટર ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી રહ્યો. મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
બે દિવસની હરાજીના પ્રથમ દિવસે બે કરોડની બેઝ પ્રાઈસ ધરાવતો ઈશાન કિશન 15.25 કરોડ રૂપિયા સાથે મોંઘો ખેલાડી રહ્યો પરંતુ તે દિગ્ગજ ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો હતો. યુવરાજ સિંહ માટે 16 કરોડ રૂપિયાની બોલી લાગી હતી જે ભારતીય ખેલાડી માટે લાગેલી અત્યાર સુધીની સૌથી મોટી બોલી છે. 2020ની સિઝનમાં મુંબઈ માટે તે સૌથી વધુ રન નોંધાવનારો બેટર રહ્યો હતો. તેણે તે સિઝનમાં 516 રન ફટકાર્યા હતા.
દીપક ચાહરને રૂ. 14 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સ, શ્રેયસ ઐય્યરને રૂ. 12.25 કરોડ કોલકાતા નાઈટ રાઈડર્સે, નિકોલસ પૂરનને રૂ. 10.75 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે, હર્ષલ પટેલને રૂ. 10.75 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યા હતા. આ ઉપરાંત વાનિન્દુ હસારંગને રૂ. 10.75 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે, શાર્દુલ ઠાકુરને રૂ. 10.75 કરોડમાં દિલ્હી કેપિટલ્સે, પ્રસિદ્ધ ક્રિષ્નાનાને રૂ. 10 કરોડમાં રાજસ્થાન રોયલ્સે, લોકી ફર્ગ્યુસનને રૂ. 10 કરોડમાં ગુજરાત ટાઈટન્સને તથા અવેશ ખાનને રૂ. 10 કરોડમાં લખનઉની ટીમે ખરીદ્યા હતા.
દીપકભારતીય ઝડપી બોલર દીપક ચહરને ચેન્નઈ સુપર કિંગ્સે રિટેઈન કર્યો ન હતો પરંતુ તેના પાછળ 14 કરોડ રૂપિયા ખર્ચીને ચેન્નઈએ ફરીથી તેને ટીમમાં સામેલ કર્યો છે. પ્રથમ દિવસે કિશન પછી તે બીજો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રણ વન-ડે મેચની સીરિઝમાં નવ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ સીરિઝ બનેલા બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના માટે રાજસ્થાન રોયલ્સે 10 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે ટી નટરાજનને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હરાજીના પ્રથમ દિવસની સૌથી મોટી લોટરી ઝડપી બોલર અવેશ ખાનને લાગી હતી. ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમેલા અવેશ ખાન માટે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે 10 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અવેશ ખાન આટલી મોટી રકમ મેળવનારો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તેણે ગત સિઝનમાં દિલ્હી માટે 24 વિકેટ ખેરવી હતી અને પર્પલ કેપની રેસમાં બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે બીજા અનકેપ્ડ ખેલાડી શાહરૂખ ખાન માટે 9 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત પંજાબે અન્ય અનકેપ્ડ ખેલાડીઓમાં હરપ્રીત બ્રાર અને પ્રભસિમરન સિંહને અનુક્રમે 3.8 કરોડ અને 60 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. ગુજરાત ટાઈટન્સે રાહુલ તેવાટિયાને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદે રાહુલ ત્રિપાઠી માટે 8.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઝડપી બોલર શિવમ માવિને કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે કમલેશ નાગરકોટીને દિલ્હી કેપિટલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઉપરાંત દિલ્હીએ વિકેટકીપર કેએસ ભરત માટે 2 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કાર્તિક ત્યાગીને સન રાઈઝર્સ હૈદરાબાદે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુરુગન અશ્વિનને મુંબઈએ 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાને પણ તગડી રકમ મળી હતી. કૃણાલ પંડ્યાને લખનઉે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.
ભારતીય ઝડપી બોલર શાર્દુલ ઠાકુર માટે દિલ્હી કેપિટલ્સે સૌથી મોટી 19.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે ભુવનેશ્વર કુમારને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે બાંગ્લાદેશના મુસ્તાફિઝુર રહેમાનને દિલ્હીએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે જોશ હેઝલવૂડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સૌથી મોટી 7.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. માર્ક વૂડ માટે લખનઉ ટીમે 7.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. યુઝવેન્દ્ર ચહલને રાજસ્થાન રોયલ્સે 6.5 કરોડ, રાહુલ ચહરને પંજાબ કિંગ્સે 5.25 કરોડ અને કુલદીપ યાદવને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 1.5 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા વોશિંગ્ટન સુંદર માટે હૈદરાબાદે 8.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.