આઈપીએલની 15મી સિઝન માટે શનિવારથી બેંગ્લુરુમાં બે દિવસના મેગા ઓક્શનનો પ્રારંભ થયો છે. અગાઉ 590 ખેલાડીઓ ઓક્શનનો હિસ્સો હતા પરંતુ પછી તેમાં નવા 10 ખેલાડીઓ ઉમેરાતા હવે ઓક્શનમાં કુલ ખેલાડીઓની સંખ્યા 600 થઈ છે. આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે પ્રારંભિક સંબોધન કર્યું હતું. આ વખતે મેગા ઓક્શનમાં બે નવી ફ્રેન્ચાઈઝ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થતા 10 ફ્રેન્ચાઈઝ હિસ્સો લઈ રહી છે. ટોચના 10 ખેલાડીઓની હરાજી પૂર્ણ થઇ છે.
ખેલાડી ફ્રેન્ચાઈઝ મળેલી રકમ
શિખર ધવન કિંગ્સ પંજાબ 8.25 કરોડ
આર અશ્વિન રાજસ્થાન રોયલ્સ 5 કરોડ
પેટ કમિન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ 7.25 કરોડ
ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન રોયલ્સ 8 કરોડ
કગિસો રબાડા કિંગ્સ પંજાબ 9.25 કરોડ
શ્રેયસ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સ 12.25 કરોડ
મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સ 6.25 કરોડ
ક્વિન્ટન ડી કોક લખનઉ સુપર જાયન્ટ્સ 6.75 કરોડ
ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7 કરોડ
ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ 6.25 કરોડ
લખનઉ સુપર જાયન્ટ્સે રૂ. 6.75 કરોડમાં ક્વિન્ટન ડી કોકને ખરીદ્યો, જ્યારે આઈપીએલમાં આ વખતે મેગા ઓક્શનમાં પ્રથમવાર ભાગ લઈ રહેલી ગુજરાત ટાઈટન્સે હરાજીમાં ખાતું ખોલાવ્યું છે. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને રૂ. 6.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શ્રેયસ ઐયર માટે અપેક્ષા મુજબ અત્યાર સુધીની સૌથી ઊંચી બોલી લાગી છે. કોલકાતા નાઈટ રાઈડર્સને કેપ્ટનની જરૂર હોવાથી તેણે ઐયરને રૂ. 12.25 કરોડમાં ખરીદી લીધો છે. પંજાબ કિંગ્સ ઇલેવને આક્રમક રીતે બિડિંગ કરી રહ્યું છે. ગુજરાત અને પંજાબ વચ્ચે રબાડાને લઈને સ્પર્ધા જોવા મળી હતી. આખરે કિંગ્સ પંજાબે રબાડાને રૂ. 9.25 કરોડમાં ખરીદી લીધો છે. ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે રૂ. 8 કરોડમાં ખરીદ્યો હતો. પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 7.25 કરોડમાં ફરીથી ખરીદ્યો હતો. આ ઓક્શનમાં સૌપ્રથમ માર્કી પ્લેયર્સ માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાં શિખર ધવન ઓક્શનમાં જનાર સૌપ્રથમ ખેલાડી રહ્યો હતો. રૂ. 2 કરોડની બેઝ પ્રાઈસ સામે શિખર ધવનને પંજાબ કિંગ્સે રૂ. 8.25 કરોડમાં ખરીદ્યો હતો. શિખર માટે દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. રાજસ્થાન રોયલ્સે ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચન્દ્ર અશ્વિનને રૂ. 5 કરોડમાં ખરીદી લીધો હતો.
આ મેગા ઓક્શનમાં એક દુર્ઘટના ઘટી હતી. આઈપીએલ ઓક્શનર હ્યૂ એડમિડ્સ ચાલુ ઓક્શનમાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આઈપીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, હ્યૂ એડમીડ્સની તબીયત લથડી હતી અને ચાલુ હરાજીમાં જ તે સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા. વાનિંદુ હસરંગા માટે બોલી લાગી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. હ્યૂ એડમીડ્સ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. હ્યૂ એડમિડ્સને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હેલ્થ ઈમર્જન્સીને પગલે આઈપીએલ મેગા ઓક્શને અટકાવીને લંચ સેશનની જાહેરાત કરવામાં આવી હતી. હ્યૂને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.