બ્રિટિશ એશિયન ટ્રસ્ટનું એન્યુઅલ રીસેપ્શન અને ડિનર તાજેતરમાં બ્રિટિશ મ્યુઝિયમ ખાતે યોજાયું હતું, જેમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના રોયલ ફાઉન્ડિંગ પેટ્રન-ધ પ્રિન્સ ઓફ વેલ્સ- પ્રિન્સ ચાર્લ્સ, ડચેઝ ઓફ કોર્નવોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભનું આયોજન ગત વર્ષે સંસ્થાએ મેળવેલી ઘણી સિદ્ધિઓની ઉજવણી કરવા અને સમગ્ર સાઉથ એશિયામાં કોવિડ-19 બાબતે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરવા માટે કરવામાં આવ્યું હતું.
આ રીસેપ્શનમાં ચાન્સેલર ઓફ એક્સચેકર રિશિ સુનાક, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અદર અને નતાશા પૂનાવાલા, લાંબા સમયથી ટ્રસ્ટના સમર્થકો, અગ્રણી પાકિસ્તાની બિઝનેસમેન, નિશાત ગ્રૂપના ચેરમેન અને ટ્રસ્ટની એડવાઇઝરી કાઉન્સિલ ફોર પાકિસ્તાનના નવા ચેરમેન મિયાં મોહમ્મદ મનશાનો સમાવેશ થાય છે.
પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રિન્સ ઓફ વેલ્સે જણાવ્યું હતું કે, ‘હું વિશ્વાસ કરી શકતો નથી કે લગભગ બે વર્ષથી હું અને મારી પત્ની બ્રિટિશ એશિયન ટ્રસ્ટના કાર્યની ઉજવણી કરવા માટે તમારા બધાની સાથે હોઇએ છીએ. સમગ્ર વિશ્વભરમાં, કોવિડ-19થી ભયંકર જાનહાનિ થઈ છે અને ખાસ તો સાઉથ એશિયામાં અમે તેની વિનાશક અસર જોઈ છે. આ સૌથી પડકારજનક સમયમાં, બ્રિટિશ એશિયન ટ્રસ્ટે ચાર નોંધપાત્ર ભંડોળ ઊભું કરવાની અપીલ કરી છે, જેણે અત્યાર સુધીમાં લગભગ 20 મિલિયન પાઉન્ડ એકઠા કર્યા છે, આવા મુશ્કેલીભર્યા સમયમાં તે ખરેખર નોંધપાત્ર સફળતા છે.’
બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2007માં પ્રિન્સ ઓફ વેલ્સ અને બ્રિટિશ એશિયન બિઝનેસ લીડર્સ દ્વારા પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં વ્યાપક ગરીબી, અસમાનતા અને અન્યાયના નિવારણ માટે કરવામાં આવી હતી. BT દ્વારા ભારતમાં બે લાખ જેટલી કિશોરીઓને મદદ કરવા માટે ત્રણ મિલિયન પાઉન્ડ આપવાની કટિબદ્ધતા સાથે ટ્રસ્ટને મદદ કરવાની જાહેરાત કરી હતી.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન મનોજ બદાલેએ જણાવ્યું હતું કે, ‘આ એકત્ર કરાયેલા ભંડોળથી અમને કોવિડ-19 પછી સાઉથ એશિયામાં શિક્ષણ, આજીવિકા, માનસિક આરોગ્ય, માનવ તસ્કરી વિરુદ્ધ અને સંરક્ષણના ક્ષેત્રોમાં મોટાપાયે પરિણામલક્ષી કાર્યક્રમોના આયોજનો જાળવી રાખવામાં મદદ મળશે.’
બ્રિટિશ એશિયન ટ્રસ્ટે તેના કોવિડ પછીના કાર્યો માટે છેલ્લા વર્ષમાં 10 મિલિયન પાઉન્ડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું, જેમાં ભારતમાં કોરોનાની બીજી વિનાશક લહેરમાં મદદ કરવા માટે તેની ઓક્સિજન ફોર ઈન્ડિયા અપીલ માટે 5 મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે. તેણે ટ્રસ્ટના વિમેન્સ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ માટે યુકે સરકાર પાસેથી 2 મિલિયન પાઉન્ડનું ભંડોળ મેળવ્યું છે, જે લગભગ દસ હજાર પાકિસ્તાની મહિલાઓને કોવિડ પછીના સમયમાં નોકરી શોધવા અથવા બિઝનેસ શરૂ કરવામાં સક્ષમ બનાવશે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટે 50 હજાર જેટલા ભારતીય યુવાનોનું કૌશલ્ય વધારીને કોવિડ-19 પછી રોજગારના સ્તરને વધારવા માટે 14.4 મિલિયન ડોલરના સ્કિલ ઈમ્પેક્ટ બોન્ડ પણ લોન્ચ કર્યા છે, જેમાં લાભાર્થીઓમાં 60 ટકા (30,000) મહિલાઓ છે. તેની અન્ય પહેલોમાં ‘પેલેસ ઓન વ્હીલ્સ’ ચેરિટી સાયકલ રાઈડનો સમાવેશ થાય છે, જેમાં 400 કિ.મી.ના કપરા પડકાર પર બ્રિટિશ એશિયન સાયકલસવારોને પ્રિન્સ ઓફ વેલ્સે સાયકલ ચલાવીને વિદાય આપી હતી.
આ કાર્યક્રમના હોસ્ટ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ એમ્બેસેડર્સ, BBC બ્રોડકાસ્ટર નિહાલ અર્થાનાયકે અને BT સ્પોર્ટ અને BBC ના સ્પોર્ટ્સ પ્રેઝન્ટર રશ્મિન ચૌધરી હતા. રીસેપ્શનમાં ઉપસ્થિત અન્ય સેલિબ્રિટી એમ્બેસેડર્સમાં નિર્માતા અને દિગ્દર્શક ગુરિન્દર ચઢ્ઢા, અભિનેતા નીતિન ગણાત્રા અને લિવરપૂલ અને વેલ્સ ભૂતપૂર્વ ફૂટબોલર ઈયાન રૂશીનો સમાવેશ થાય છે.