ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનની શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022ના રોજ ફરી વરણી કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના સભ્યોએ એક્ઝિક્યુટિવ ચેરમેનની કામગીરીની પ્રશંસા કરી હતી અને આગામી પાંચ વર્ષ માટે તેમની ફરી નિયુક્તીને સર્વસંમતીથી બહાલી આપી હતી, એમ ટાટા સન્સે જણાવ્યું હતું.
કંપનીના બોર્ડની બેઠકમાં વિશેષ આમંત્રિત તરીકે રતન ટાટા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પણ ચંદ્રશેખરનના વડપણ હેઠળ ટાટા ગ્રૂપની પ્રગતિ અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ચેરમેન તરીકે પુનઃનિયુક્ત બાદ ચંદ્રશેખરને કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ સુધી ટાટા ગ્રુપની આગેવાની કરવાનો અનુભવ શાનદાર રહ્યો અને ફરીથી તક મળવાના પગલે તે ખુશ છે. ચંદ્રશેખરનને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2017માં તેમની નિમણૂંક કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2017માં તેમણે આ પદ સંભાળ્યું હતું. તે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને ટીસીએસ જેવી કંપનીઓના બોર્ડમાં પણ ચેરમેન છે. ચંદ્રશેખરનનો પ્રથમ કાર્યકાળ આ મહિને પુરો થઈ રહ્યો છે અને આ પહેલા તેમની બીજી વખત આ પદે નિમણૂંક કરવામાં આવી છે.
ટાટા ગ્રૂપે 31 માર્ચ 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આશરે 103 બિલિયન ડોલરની આવક નોંધાવી હતી. તાજેતરમાં ટાટા ગ્રૂપે આશરે 69 વર્ષ બાદ એર ઇન્ડિયાનો ફરી અંકુશ મેળવ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે ટાટા ગ્રૂપમાં એર ઇન્ડિયાના પુનરાગમનથી ઉત્સાહિત છીએ અને તેને વર્લ્ડ કલાસ એરલાઇન બનાવવા માટે કટિબદ્ધ છીએ.
ચંદ્રશેખરનને જ્યારે વર્ષ 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે ટાટા ગ્રુપ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું. સાઈરસ મિસ્ત્રીને ચેરમેનના પદ પરથી હટાવવા આવ્યા હતા. તેમની અને રતન ટાટાની વચ્ચે ખટપટ ચાલી રહી હતી.