ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડાને પગલે રાજ્ય સરકારે ગુરુવાર (10ફેબ્રુઆરી)એ નાઇટ કર્ફ્યુ સહિતના નિયંત્રણોને હળવા બનાવ્યા હતા. સરકારે રાજ્યના 19 શહેરોમાંથી નાઇટ કર્ફ્યુ ઉઠાવી લીધો છે. જોકે 11 ફેબ્રુઆરીથી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. મહાનગરોમાં પણ નાઇટ કર્ફ્યુના સમયગાળામાં ઘટાડો થયો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરમાં રાત્રિના 12થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હોટેલ અને રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.
નવા નિયમોમાં 19 શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ અપાઈ છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.
ખુલ્લી જગ્યામાં રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમોમાં માત્ર 150 લોકો હાજર રહી શકશે. જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી: બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
ખુલ્લી જગ્યામાં લગ્નપ્રસંગોમાં મહેમાનોની હાજરી મર્યાદા વધારીને 300 લોકો કરવામાં આવી છે. જોકે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રામાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે. જાહેર બાગ-બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.