ભૂતપૂર્વ લેબર રાજકારણી અને લોર્ડ નઝીર અહેમદને કિશોરાવસ્થામાં આચરવામાં આવેલા બાળકોના ગંભીર જાતીય શોષણ માટે પાંચ વર્ષ અને છ મહિનાની જેલ કરવામાં આવી છે. જાન્યુઆરી 2022માં, શેફિલ્ડ ક્રાઉન કોર્ટે તેને છોકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવા અને 1970ના દાયકામાં રોધરહામમાં એક છોકરાનું જાતીય શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યા હતા.
હાલમાં 64 વર્ષની વય ધરાવતા લોર્ડ અહેમદે તેઓ લગભગ 16 વર્ષના હતા ત્યારે તેનાથી લગભગ પાંચેક વર્ષ નાના બાળકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. શુક્રવારે તા. 4 ફેબ્રુઆરીના રોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે તેના પીડિતો કોર્ટરૂમમાં હાજર હતા.ચુકાદો આપતા જસ્ટિસ લવંડરે કહ્યું હતું કે “તમારા આ પગલાની ભેગ બનનાર છોકરી અને છોકરા પર ઊંડી અને આજીવન યાદ રહે તેવી અલગ અને નુકસાનકારક અસર પડી છે, તેમની સાથે તમે જે કર્યું હતું તેની સાથે તેઓ જીવ્યા છે.”
લોર્ડ અહેમદ દ્વારા કરાયેલા બળાત્કારના પ્રયાસોમાંથી બચી ગયેલી મહિલાએ કોર્ટમાં વર્ણવ્યું હતું કે ‘’લોર્ડ અહેમદની ક્રિયાઓએ મારા યુવાન મનને આઘાત પહોંચાડ્યો હતો. મારા બાળપણ અને પુખ્તવયના પ્રારંભિક વર્ષો દરમિયાન શરમની જબરજસ્ત લાગણી મારી સાથે રહી હતી. તે એક બોજ હતો જે મને વહન કરવા માટે બનાવવામાં આવી હતી, અને તેણે મને ઘણા વર્ષો સુધી શાંત કરી દીધી હતી. હવે સમય આવી ગયો છે કે હું તે બોજ તેમને આપીશ, એ પીડોફાઈલને જેને હું જાણું છું, તે કોઈ વ્યક્તિગત શરમ અનુભવતો નથી.”
લોર્ડ અહેમદની વાસનાનો ભોગ બનેલા પુરૂષ પીડિતે ચુકાદાને આવકાર્યો હતો અને લોર્ડ અહેમદનું બિરુદ છીનવી લેવા કહ્યું હતું.તેના બે ભાઈઓ મોહમ્મદ ફારુક, (ઉ.વ. 71), અને મોહમ્મદ તારિક, (ઉ.વ. 66) પર પણ એ જ લોકો પર અશ્લીલ હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેઓ ટ્રાયલ માટે અયોગ્ય માનવામાં આવ્યા હતા.
નઝીર અહેમદે 2009માં અવિચારી ડ્રાઇવિંગ કરી એક અકસ્માતમાં એમ-વન મોટર વે પર ઉભી રહેલી કારને ટક્કર માકી ડ્રાઇવરનું નોત નિપજાવતા તેને દોષી ઠેરવી જેલમાં ધકેલી દીધો હતો. 2013માં, નાઝિરે તે અકસ્માતને “યહૂદી કાવતરું” ગણાવતા લેબર પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
2019માં, નઝીર અહેમદ પર “નિર્બળ મહિલાની સાથે સંભોગ કરી પોતાના હોદ્દાનો ફાયદો ઉઠાવ્યો હોવાનો આરોપ પણ કરાયો હતો. મહિલાએ લોર્ડ અહમદના વર્તન વિશે લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ સામે ફરિયાદ કરી હતી. નવેમ્બર 2020માં, લોર્ડ અહેમદે હાઉસ ઓફ લોર્ડ્સમાંથી સંભવિત હાંકી કાઢવામાં આવે તેવી શક્યતાના પગલે રાજીનામુ આપ્યું હતું.
કાશ્મિરની સ્વતંત્રતા અને ખાલિસ્તાનની હાકલ કરવા 2018માં ભારતના સ્વાતંત્ર્ય દિને નઝીર અહેમદે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર યોજેલા વિરાટ વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણ માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
હાઉસ ઑફ લોર્ડ્સમાં 1998માં પીઅર તરીકે નિયુક્તિ થયેલા પ્રથમ મુસ્લિમ લોર્ડ નઝીરનો જન્મ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં થયો હતો. તે યુકે પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી કાશ્મિર ગૃપના વડા રહી ચૂક્યા છે અને ભારત સરકારની નીતિઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મિરના સંદર્ભમાં ભારતના સખત ટીકાકાર અને ખાલિસ્તાની જૂથોના સમર્થક રહ્યા છે.