ભારતના નાઇટિંગેલ તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર લંડનના આઇકોનિક રોયલ આલ્બર્ટ હોલમાં લાઇવ પરફોર્મન્સ આપનાર પ્રથમ ભારતીય કલાકાર તરીકેનું ગૌરવ ધરાવે છે.
લતા મંગેશકરે 1974માં આંતરરાષ્ટ્રીય મંચ પર પદાર્પણ માટે UKને પસંદ કરી ભરચક પ્રેક્ષકો સમક્ષ કેટલીક સૌથી પ્રિય ધૂનો રજૂ કરી હતી. તેમણે એ વખતે હિન્દીમાં શો દરમિયાન આપેલા સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું હતું કે “ભારત બહાર આ મારો પહેલો કોન્સર્ટ છે. હું ખૂબ જ નર્વસ છું, પરંતુ હું ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું.” તેમણે કિશોર કુમાર, હેમંત કુમાર અને અગ્રણી સંગીતકારો એસ.ડી. બર્મન અને નૌશાદ જેવા બોલિવૂડના સમકાલીન કલાકારો સાથે ગાવાની યાદો શેર કરી હતી.
તે સેલ-આઉટ કોન્સર્ટની રજૂઆત અભિનેતા દિલીપ કુમાર દ્વારા કરવામાં આવી હતી. હંમેશા નાના ભાઈ “યુસુફ ભાઈ” તરીકે ઓળખાવતા દિલીપ કુમારે ઉર્દૂમાં આપેલા પરિચયમાં જણાવ્યું હતું કે “જેમ ફૂલની સુગંધનો કોઈ રંગ નથી હોતો, જેમ વહેતા પાણી કે પવનને કોઈ સીમા નથી હોતી અને જેમ સૂર્યના કિરણોને કોઈ ધાર્મિક વિભાજન હોતું નથી, તેવી જ રીતે લતા મંગેશકરનો અવાજ પણ કુદરતનો એવો ચમત્કાર છે.”
શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી આવકાર્યા હતા. આ કોન્સર્ટ ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરૂજીની યાદમાં ફેલોશિપ આપવા માટે સ્થાપવા નેહરુ મેમોરિયલ ફંડ માટે યોજાયો હતો. જેમાં મંગેશકરની દાયકાઓ દરમિયાનની સૌથી મોટી બોલિવૂડ હિટ ફિલ્મોને આવરી લેવામાં આવી હતી, જેમાં ‘આજા રે પરદેસી’, ‘ઈન્હીં લોગોં ને’ અને ‘આયેગા આનેવાલા’ ગીતો રજૂ કરાયા હતા. આ લાઇવ શોનું રેકોર્ડિંગ, લોંગ-પ્લેઇંગ રેકોર્ડ્સ (LPs) ના બે વોલ્યુમમાં સેટ કરાયું હતું, જેની 133,000 થી વધુ નકલો વેચાઈ હતી.
1871માં રાણી વિક્ટોરિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ આલ્બર્ટની યાદમાં સેન્ટ્રલ લંડનમાં કેન્સિંગ્ટન ગાર્ડન્સ ખાતે આલ્બર્ટ મેમોરિયલના એક ભાગ તરીકે રોયલ આલ્બર્ટ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે યુકેના પ્રીમિયર કોન્સર્ટ સ્થળો પૈકીનું એક છે અને વર્ષોથી વિશ્વ-વિખ્યાત કલાકારોના કાર્યક્રમોનું ત્યાં આયોજન થાય છે.