સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ માળખું ઊભું કરવા માટે સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારની મદદ લેશે. રાજ્ય સરકારના રમતગમત પ્રધાને વીડિયો કોન્ફરન્સથી સરકાર અને પાલિકાના સુરત સ્પોર્ટ્સ પ્રમોશનના ફાઉન્ડેશનના નેજા હેઠળ માળખું કઈ રીતે તૈયાર થઈ શકે તે માટે ચર્ચા કરી હતી.
સુરત મહાનગરપાલિકાએ બે વર્ષ પહેલા પાલનપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ તૈયાર કરવા બજેટમાં જોગવાઈ કરી હતી પરંતુ તે આ અંગે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય કરાયો નથી. પરંતુ હવે સુરત મહાનગરપાલિકા શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સનું માળખું ઊભું કરવા માટે તૈયારી કરી રહી છે. આ માટે સુરત મહાનગર પાલિકાએ રાજ્ય સરકારની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશન પ્રમાણે સુરતમાં 15000 ચોરસ મીટર જગ્યા સ્પોર્ટ્સનું માળખું ઉભુ કરવા માટે જરૂરી છે. પાલિકાએ ભીમરાડ ખાતે ટીપી સ્કીમ નંબર 42માં 16 હજાર ચોરસ મીટર જગ્યા આ માળખા માટે ઉપયોગમાં લઈ શકાય તેવું સૂચન કર્યું છે. ગુજરાતના ભાવનગર અને નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એકેડમી કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. આજ પ્રકારની સુવિધા સુરત ખાતે ઉભી કરવા માટે કવાયત થઈ રહી છે જેના માટે 80 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.