ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકોએ મહેસૂલી સેવા સ્થળ પર પુરી પાડવા માટે મહેસૂલ મેળા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રત્યેક જિલ્લામાં ચેરિટી કમિશનર કચેરીના નવા ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ફરી એકવાર ગરીબ કલ્યાણ મેળા પણ શરૂ થઇ રહ્યાં છે, જે અનુસાર 24 ફેબ્રુઆરીએ દાહોદ, 25મીએ મોરબી અને 26મીએ અમરેલીમાં રાજ્યકક્ષાના મેળા યોજાશે. રાજ્યના પ્રવક્તા અને પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓના લાભ ઘરઆંગણે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે વિભાગે તમામ જિલ્લામાં મહેસૂલી મેળા યોજવાનો નિર્ણય કર્યો છે.
મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે 10 ફેબ્રુઆરીથી નવસારી જિલ્લામાંથી મહેસૂલ મેળા સાથે રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. મેળામાં નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો પ્રયાસ કરાશે. તેમાં જરૂર પડયે વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવશે.