ફિલ્મ પ્રોડ્યુસર સેમ ફર્નાન્ડીઝે ગાળો આપવા, ધમકાવવા અને મારઝૂડ કરવાના આરોપ સાથે મુંબઈના જુહૂ પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફિલ્મ પ્રોડ્યુસરે આક્ષેપ કર્યો હતો કે એક્ટરે હોટલમાં કથિત રીતે એને ગાળો ભાંડી, ધમકાવીને માર માર્યો હતો.
પોલીસે જણાવ્યું છે કે, એક્ટર આદિત્ય પંચોલીએ પણ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ મુજબ બોલીવુડમાં ફિલ્મ પ્રોડ્યુસર સેમ ફર્નાન્ડીઝ આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજ પંચોલી સાથે ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો. સેમ ફર્નાન્ડીઝનું કહેવુ છે કે, સૂરજ પંચોલી સાથે ફિલ્મ બનાવવાના મારા નિર્ણય બાદ કોઈ પણ આ ફિલ્મમાં ફાયનાન્સ કરવા તૈયાર નહોતું અને આ વિશેની વાત જ્યારે આદિત્ય પંચોલીને કરી ત્યારે એક્ટરે અહીંની એક હોટલમાં એને મળવા બોલાવ્યો હતો.
સેમ ફર્નાન્ડીઝે કરેલી ફરિયાદ મુજબ, તેઓ આદિત્ય પંચોલીને મળવા ગયા ત્યારે અભિનેતા નશામાં હતો અને તેણે ધમકી આપી કે સૂરજની ફિલ્મ બનવી જ જોઈએ, નહીં તો એને જાનથી મારી નાંખીશ. આ દરમિયાન આદિત્ય પંચોલીએ સેમ ફર્નાન્ડીઝ સાથે મારઝૂડ પણ કરી હતી.