કેનેડામાં કોરોના નિયંત્રણો સામે ટ્રકચાલકોના ઉગ્ર વિરોધી દેખાવોને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ સપોર્ટ આપતા આ મુદ્દામાં નવો વળાંક આવ્યો હતો. અમેરિકાની આ દરમિયાનગીરીનો વિરોધ કરતાં કેનેડાના જાહેર સુરક્ષા પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે અમેરિકાના અધિકારીઓએ તેમના દેશની આંતરિક બાબતોથી દૂર રહેવું જોઇએ. કેનેડાના બીજા નેતાઓએ પણ રિપબ્લિકન સાંસદોની દેખાવકારોને સમર્થન આપતી ટીપ્પણીઓનો વિરોધ કર્યો હતો. કેનેડાના દેખાવકારોને અમેરિકામાંથી નાણાકીય સહાય મળી રહી છે.
ઓટ્ટાવાએ ઇમર્જન્સી જાહેર કર્યાના એક દિવસ બાદ શહેરના મેયરે ફ્રિડમ ટ્રેક કોન્વો નામના સંગઠનના વિરોધી દેખાવોને અંકુશમાં લેવામાં માટે વધારાના 2,000 પોલીસ જવાનોની માગણી કરી હતી. ટ્રક ચાલકોએ કોરોના નિયંત્રણોના વિરોધમાં કેનેડાની રાજધાની ઓટ્ટાવાને ઘેરી લીધું છે અને જીવનજીવન ખોરવાઈ ગયું છે. ઓટ્ટાવા પોલીસ વડા પીટર સ્લોલીએ આ વિરોધી દેખાવોને કેનેડામાં ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા અસાધારણ ગણાવ્યા હતું અને સત્તાવાળા ત્રણ દિવસથી ચાલી રહેલા દેખાવોને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું સ્વીકાર્યું હતું. દેખાવકારોએ જણાવ્યું હતું કે વેક્સિનનો આદેશ અને કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શહેરમાંથી બહાર જશે નહીં. દેખાવકારોએ કેનેડાની ટ્રુડો સરકારને દૂર કરવાની પણ માગણી કરી છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના રિપબ્લિકન પાર્ટીના ઘણા સભ્યોએ આ દેખાવોને સમર્થન આપતી ટીપ્પણી કરી હતી. ટ્રમ્પે તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને એવા ‘ડાબેરી પાગલ’ ગણાવ્યા હતા, જેમને કોરોનાના નિયંત્રણો મારફત કેનેડાને પાયમાલ કર્યું છે.
ક્રાઉનફંડિગ સાઇટ ગોફંડમીએ દેખાવકારો દ્વારા ઊભા કરવામાં આવેલા લાખ્ખો ડોલર પરત કરવાની જાહેરાત કરી હતી. તેનો રિપબ્લિકન સભ્યો અને ટેક્સાસના એટર્ની જનરલ કેને પેક્સટોને વિરોધ કર્યો હતો.