કર્ણાટકમાં સ્કૂલ-કોલેજમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા હિજાબ પહેરવાના મુદ્દે મંગળવારે વિવાદ વકર્યો હતો. રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનને પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સ્કૂલ-કોલેજો આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. કોલેજોમાં મુસ્લિમ યુવતીના હિજાબ સામે હિન્દુ વિદ્યાર્થીઓ ભગવો ખેંચ પહેરે છે. તેનાથી આ હિજાબ વિરુદ્ધ ભગવા ખેંચનો અને એ રીતે હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો આ વિવાદ છે. કર્ણાટકની ભાજપ સરકારે સ્કૂલ કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેની વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ઠેરઠેર વિરોધ કર્યો હતો. કર્ણાટક સેંકડો મુસ્લિમ મહિલાઓ અને બીજા મુસ્લિમ સંગઠનોએ દવાનાગેરે શહેરમાં સોમવારે હિજાબની તરફેણમાં દેખાવો કર્યા હતા.
કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ એસ બોમ્માઇએ ટ્વીટ કરીને શાંતિ અને સંવાદિતતાની જાળવણી માટે તમામ હાઇસ્કૂલો અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ઉડુપી જિલ્લાની એક કોલેજની પાંચ યુવતીઓએ કર્ણાટક હાઇ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને હિજાબ પરના નિયંત્રણો હટાવી લેવાની માગણી કરી છે. હાઇ કોર્ટે આ કેસની સુનાવણી કરી હતી અને 9 ફેબ્રુઆરીએ પણ સુનાવણી કરશે.