નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કરદાતાને તેમના ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં વિસંગતતા કે ભૂલમાં બે વર્ષની અંદર સુધારો કરવાની એક વખત સુવિધા ઓફર કરી છે. જોકે તે માટે કરદાતાએ ટેક્સની ચુકવણી કરવાની રહેશે.
બજેટ પ્રવચનમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ટેક્સ નિયમોના સ્વૈચ્છિક પાલનની દિશાનું આ એક હકારાત્મક પગલું છે. હાલના નિયમો મુજબ જો આઇટી રિટર્નમાં આઇટી વિભાગને કોઇ આવકનો ઉલ્લેખ ન કરવામાં આવ્યું હોવાનું જણાય તો લાંબી પ્રક્રિયા ચાલુ થાય છે. નવી દરખાસ્તથી કરદાતા માટેના વિશ્વાસમાં વધારો થશે.
સિતારમણે જણાવ્યું હતું કે “આવી કોઇ ભૂલમાં સુધારો કરવાની તક આપવા માટે હું વધારાના ટેક્સની ચુકવણી સાથે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની કરદાતાને છૂટ આપવાની નવી દરખાસ્ત કરું છું. આ અપડેટેડ રિટર્ન સંબંધિત આકારણી વર્ષના અંતના બે વર્ષમાં ફાઇલ કરી શકાશે.”
આઇટી વિભાગે કરદાતાના ટ્રાન્ઝેક્શનના રિપોર્ટિંગ માટે મજબૂત સિસ્ટમ સ્થાપી કરી છે, તેનાથી કરદાતાને જાણ થશે તે તેમણે આવકનો સાચો અંદાજ મૂકવામાં કોઇ ભૂલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે હવે આ દરખાસ્ત સાથે કરદાતા પર વિશ્વાસ મૂકવામાં આવશે. તેનાથી કરદાતા એવી આવકને જાહેર કરી શકશે કે જે અગાઉ ફાઇલ કરેલા રિટર્નમાં રહી ગઈ છે.
સરચાર્જની સિસ્ટમને સરળ બનાવતા તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઇપણ પ્રકારની એસેટના ટ્રાન્સફરથી થતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન પરના સરચાર્જ માટે 15 ટકાની ટોચમર્યાદા લાદવાની દરખાસ્ત કરે છે. આ દરખાસ્તથી સ્ટાર્ટ-અપને વેગ મળવાની ધારણા છે. હાલમાં શેર, યુનિટ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર વધુમાં વધુ 15 ટકા સરચાર્જ લાગુ પડે છે, જ્યારે બીજા લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ગ્રેડેડ સરચાર્જ લાગુ પડે છે, જે 37 ટકા સુધી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દરખાસ્તથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થશે, તેથી મૂડીબજારમાં રોકાણને વેગ મળશે.