વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ઉંધઈ જેવો છે, જે દેશને ખોખલો કરી નાંખે છે. દેશને આ દૂષણથી શક્ય એટલો વહેલો મુક્ત કરવા માટે લોકોએ સાથે મળીને કામ કરવું પડશે.
રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’માં મોદીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી આશરે એક કરોડ કરતાં વધુ બાળકોએ પોસ્ટકાર્ડ મારફત તેમની ‘મનની કી બાત’ મોકલી છે. વિદેશથી પણ ઘણા બાળકોએ પોસ્ટકાર્ડ લખ્યા છે. આ પોસ્ટકાર્ડ દેશના ભાવિ માટે નવી પેઢીના વ્યાપક અને સર્વગ્રાહી વિચારોની ઝાંખી મળે છે.
2047 સુધી ભારતને ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવાની માગણી કરનારી ઉત્તરપ્રદેશની એક બાળકીના પોસ્ટકાર્ડનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે તમે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરી છે. ભ્રષ્ટાચાર એક ઉંધઈ જેવો છે, જે દેશને કોરી ખાય છે. તેનાથી મુક્તિ મેળવવા 2047 સુધી શા માટે રાહ જોવી જોઇએ? ભ્રષ્ટાચારથી મુક્ત થવા માટે દેશના તમામ લોકો સાથે મળીને કામ કરવું પડશે. આપણે આપણી ફરજોને પણ પ્રાથમિકતા આપવી પડશે. ફરજોને પ્રાથમિકતા મળશે ત્યારે ભ્રષ્ટાચાર પણ નાબૂદ થશે.
મન કી બાત પ્રોગ્રામમાં વડાપ્રધાને ઇન્ડિયા ગેટ નજીકની અમર જવાન જ્યોતિ અને નેશનલ વોર મેમોરિયલ નજીકની જ્યોતિને વિલિન કરવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગેટ નજીકની અમર જવાન જ્યોતિ અને નેશનલ વોર મેમોરિયલ ખાતેની જ્યોતિને એક જ્યોતિમાં વિલિન થતાં આપણે જોઇએ છે. આ ભાવનાત્મક ક્ષણે દેશના ઘણા લોકો અને શહીદોના પરિવારોની આંખમાં આંસુ આવ્યા હતા. લોકોએ વોર મેમોરિયલની મુલાકાત લેવી જોઇએ.