ટેલિકોમ નિયમનકારી ઓથોરિટી (ટ્રાઇ)એ પ્રીપેઇડ મોબાઇલ ગ્રાહકોની તરફેણમાં એક મોટો નિર્ણય કર્યો છે. ટ્રાઇએ શુક્રવારે તમામ ટેલિકોમ કંપનીઓને મોબાઇલ રિચાર્જની વેલિડિટી 28 દિવસની જગ્યાએ 30 દિવસ કરવાનો આદેશ આપ્યો છે. 1999ના ટેલિકમ્યુનિકેશન ઓર્ડરમાં ફેરફાર કરીને ટ્રાઇએ ગુરુવારે જણાવ્યું હતું કે દરેક ટેલિકોમ સર્વિસ કંપનીઓએ 30 દિવસની વેલિડિટી સાથે ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશ્યલ ટેરિફ વાઉચર, એક કોમ્બો વાઉચર ઓફર કરવું પડશે.
ટ્રાઇએ એક નવી કલમનો ઉમેરો કરીને જણાવ્યું છે કે દરેક ટેલિકોમ કંપનીઓએ દર મહિને સમાન તારીખે રિન્યૂ થઈ શકે તેવુ ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશ્યલ ટેરિફ વાઉચર અને એક કોમ્બે વાઉચર ઓફર કરવું પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી હોય છે. તેનાથી મોબાઇલ ગ્રાહકોએ એક વર્ષમાં 13 વખત માસિક રિચાર્જ કરાવવું પડે છે. ટ્રાઇના આ નિર્ણય બાદ એવું માનવામાં આવે છે કે ગ્રાહકો દ્વારા એક વર્ષમાં કરવામાં આવતા રિચાર્જની સંખ્યામાં ઘટાડો થશે. તેનાથી ગ્રાહકોને એક મહિનાના રિચાર્જના પૈસાની બચત થશે.
ટ્રાઇએ આ હિલચાલને ગ્રાહકલક્ષી ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ સુધારા સાથે ટેલિકોમ ગ્રાહકોને યોગ્ય વેલિડિટી અને ડ્યુરેશન સર્વિસ પસંદ કરવા માટે વધુ વિકલ્પો મળશે.
ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓ માટે એક નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશન મુજબ તમામ ટેલિકોમ કંપનીઓએ એક પ્લાન વાઉચર, એક સ્પેશ્યલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર રાખવું પડશે, જેની વેલિડિટી 30 દિવસની હશે. કંપનીઓએ આ નોટિફિકેશનની તારીખથી 60 દિવસમાં આ નિયમનું પાલન કરવાનું રહેશે.
ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાન અંગે ટ્રાઇને ગ્રાહકોને સતત ફરિયાદો મળતી હતી. ગ્રાહકોના આરોપ હતો કે ટેલિકોમ કંપનીઓના ટેરિફમાં સતત વધારો થઈ રહ્યો છે અને વેલિડિટીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી ગ્રાહકોએ દર વર્ષે એક્સ્ટ્રા રિચાર્જ કરાવવું પડે છે. આવી સ્થિતિમાં જો વેલિડિટી બે દિવસ વધી જાય તો ગ્રાહકોને રાહત મળી શકે છે.
મોબાઇલ કસ્ટમર્સની સંખ્યા વધી 119 કરોડ થઈ
ટ્રાઇ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવેમ્બર 2021ના અંત સુધીમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા વધીને 119 કરોડ થઈ છે. આ દરમિયાન રિલાયન્સ જિયો અને એરટેલની ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો હતો. ઓક્ટોબર 2021માં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યામાં 17.6 લાખનો વધારો થયો હતો. તેનાથી તેના ગ્રાહકોની સંખ્યા વધીને 42.65 કરોડ થઈ હતી. બીજી તરફ એરટેલના ગ્રાહકોની સંખ્યામાં 4.9 લાખનો ઘટાડો થયો હતો અને તેના કુલ ગ્રાહકોની સંખ્યા વધીને 35.39 કરોડ થઈ હતી. વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યા 9.64 ટકા લાખ ઘટીને 26.90 કરોડ થઈ હતી.