ચૂંટણી સુધારાની હિમાયત કરનારા જૂથ-ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એક રીપોર્ટ 28 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ દેશના મુખ્ય શાસક પક્ષ- ભારતીય જનતા પાર્ટી સૌથી ધનવાન છે, જેણે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 4847 કરોડની સંપત્તિ જાહેર કરી છે. બીજા નંબર પર સૌથી ધનિક પાર્ટી છે બહુજન સમાજ પાર્ટી (BSP) જેની સંપત્તિ રૂ. 698.33 કરોડ છે. તો ત્રીજા નંબર પર છે કોંગ્રેસ અને તેણે રૂ. 588.16 કરોડની સંપત્તિ જાહેર કરી છે. ADRના રીપોર્ટમાં સાત રાષ્ટ્રીય અને 44 ક્ષેત્રીય પાર્ટીઓની સંપત્તિની માહિતી જાહેર કરાઇ છે.
ક્ષેત્રીય પાર્ટીઓમાં સમાજવાદી પાર્ટીએ સૌથી વધુ રૂ. 563.47 કરોડની સંપત્તિ જાહેર કરી છે. દક્ષિણ ભારતના રાજ્ય તેલંગણની TRSએ રૂ. 301.47 કરોડની સંપત્તિ, અન્નમુદ્રક તરફથી રૂ. 267.61 કરોડની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. સાત રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા રૂ. 6988.57 કરોડની આવક જાહેર કરવામાં આવી છે તો ક્ષેત્રીય પાર્ટીઓએ કુલ રૂ. 2129.38 કરોડની સંપત્તિ જાહેર કરી છે.