ભારતની ટેલીકોમ કંપની ભારતી એરટેલમાં ટેકનોલોજી જાયન્ટ ગૂગલ એક બિલિયન ડોલર (આશરે રૂ. 7400 કરોડ)નું રોકાણ કરશે. ગૂગલ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અને કોમર્શિયલ પાર્ટનરશીપના મિશ્રણ દ્વારા રોકાણ કરશે એવી જાહેરાત એરટેલે કરી છે.
ભારતીય ટેલિકોમ કંપનીમાં ગૂગલનું આ બીજું રોકાણ છે જે ભારત પર તેના વધી રહેલા ફોકસને પ્રતિબિંબિત કરે છે. અગાઉ ગૂગલે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોમાં 7.73 ટકા હિસ્સો ખરીદયો હતો અને બંને એ અફોર્ડેબલ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ બનાવવા માટે ભાગીદારી પણ કરી છે.
આ 1 બિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતામાં એરટેલમાં 70 કરોડ ડોલર એટલે કે રૂ.5224 કરોડનું ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે. જેમાં એરટેલ ગૂગલને પ્રેફરન્શિયલ ધોરણે પ્રતિ રૂ.734ના ભાવે શેર જારી કરશે અને આ મુજબ 1.28 ટકા હિસ્સો આપશે. આ રોકાણ થકી કંપનીઓ સસ્તા ફોન બનાવશે અને ફાઇવ-જી અંગે સંશોધન કરશે. ઉપરાંત ગૂગલ એરટેલની ઓફરિંગને વધારવા માટે 30 કરોડ ડોલર લગભગ રૂ. 2253 કરોડનું રોકાણ કરશે જે ગ્રાહકોને નવીન પરવડે તેવા પ્રોગ્રામ્સ તેમજ એક્સેસ અને ડિજિટલ સમાવેશને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ઓફરિંગ્સને આવરી લે છે.