આધુનિક બ્રિટનમાં ઇસ્લામોફોબિયા અને જાતિવાદના અન્ય સ્વરૂપો પર હાથ ધરવામાં આવેલા બર્મિંગહામ યુનિવર્સિટીના સર્વેમાં જાણવા મળ્યું છે કે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો વર્કિંગ-ક્લાસના લોકો કરતાં ઇસ્લામ વિશે પૂર્વગ્રહયુક્ત મંતવ્યો ધરાવે છે.
મધ્યમ વર્ગના બ્રિટિશ લોકો ઇસ્લામ વિશે વધુ પક્ષપાતી છે. ઉચ્ચ સામાજિક જૂથોમાં લગભગ 25 ટકા લોકો મુસ્લિમો વિશે પૂર્વગ્રહ ધરાવતા હોવાનું જણાયું હતું. જ્યારે કામદાર વર્ગના લોકો પૈકી પાંચમા ભાગના લોકો પક્ષપાતી હતા.
યુગોવ સાથે મળીને હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે બ્રિટિશ લોકો અન્ય ધર્મો કરતાં ઇસ્લામ પ્રત્યે વધુ પૂર્વગ્રહયુક્ત મંતવ્યો ધરાવે તેવી શક્યતા લગભગ ત્રણ ગણી વધારે છે. ધી ડિનર ટેબલ પ્રિજ્યુડિસઃ ઈસ્લામોફોબિયા ઈન કન્ટેમ્પરરી બ્રિટન નામના અહેવાલમાં રજૂ કરાયેલા તારણો, 20 અને 21 જુલાઈ 2021 વચ્ચે 1,667 લોકોના ઈન્ટરવ્યુ પર આધારિત હતા. જીપ્સી અને આઇરિશ ટ્રાવેલર્સ પછી મુસ્લિમો યુકેના બીજા “ઓછામાં ઓછા ગમતા” જૂથના લોકો છે.