ભારતના 73 મા પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોનો ટેબ્લો શાનભેર પ્રસ્તુત થયો હતો. આઝાદીના સંગ્રામમાં સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ તથા આસપાસના ગામોના આદિવાસી ક્રાંતિવીરોની બલિદાનગાથા ટેબ્લોના માધ્યમથી ભારત રાષ્ટ્ર સમક્ષ સૌપ્રથમ વખત પ્રસ્તુત થઈ હતી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાજપથ પર પરેડ નિહાળી રહેલી જનમેદનીએ ગુજરાતના ટેબ્લોને તાળીઓના લાંબા ગડગડાટ સાથે વધાવી લીધો હતો.
ઉત્તર ગુજરાતના પાલ-દઢવાવમાં 7 મી માર્ચ 1922ના દિવસે અંગ્રેજ ઓફિસર એચ.જી.સરર્ને કરના કાયદાનો વિરોધ કરવા એકત્ર થયેલા આદિવાસી નાગરિકો પર ગોળીબારનો આદેશ આપી દીધો હતો. 1200 જેટલા આદિવાસીઓ શહીદ થઈ ગયા હતા. જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ હત્યાકાંડની શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાત સરકારના માહિતી ખાતાએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની આ કથાને ટેબ્લોના માધ્યમથી ઉજાગર કરી હતી.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર ગૌરવભેર રજૂ થયેલા ગુજરાતના 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં આદિવાસી નાગરિકો જેને ‘કોલીયારીનો ગાંધી’ કહે છે તે શ્રી મોતીલાલ તેજાવતનું સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નના સ્ટેચ્યુ અને આદિવાસી નાગરિકોના સ્ટેચ્યુની કલાત્મકતા, 6 અન્ય કલાકારોના જીવંત અભિનય તથા લાઈટ ઇફેક્ટસ અને સ્મોક મશીનથી એ દિવસની ઘટના આબેહૂબ તાદ્રશ્ય થઈ હતી.
ટેબ્લોની ફરતે શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વયસમા પાંચ મ્યુરલમાં આદિવાસી ક્રાંતિવીરોની સભાના દ્રશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરાયા હતાં.
ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિ માટે તત્પર ચાર આદિવાસી ક્રાંતિવીરોના ચાર ફૂટ ઊંચા સ્ટેચ્યુએ ટેબ્લોને વધારે પ્રભાવશાળી બનાવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાની ઓળખ જેવા પોશીના વિસ્તારમાં પ્રચલિત એવા લાંબી ડોકવાળા માટીના વિશિષ્ટ ઘોડા ટેબ્લોની બન્ને તરફ રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના જ 10 જેટલા આદિવાસી કલાકારોએ પરંપરાગત પોષાકોમાં સજ્જ થઈને ગેર નૃત્ય રજૂ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન અને લોકબોલીના ગાયન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક અમદાવાદના જાણીતા સંગીતકાર શ્રી નિશિથ મહેતાએ તૈયાર કર્યો હતો. ગુજરાતના આ ટેબ્લોના નિર્માણની કામગીરી અમદાવાદના જાણીતા કલાકાર શ્રી સિધ્ધેશ્વર કાનુગાએ સંભાળી હતી.