ભારતમાં બે મૂળ ગુજરાતી બિઝનેસમેન વચ્ચે સૌથી ધનિક બનવાની હોડ જામી છે. ભારતીય શેરબજારમાં મંદીનો માહોલના કારણે રિલાયન્સના શેરની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. તેથી રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ઘડાટો જોવા મળતા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી 25 જાન્યુઆરીએ ભારતના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ, ગૌતમ અદાણીની વેલ્થનું મૂલ્ય 90 બિલિયન ડોલરે પહોંચી ગયું છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિનું મૂલ્ય 89.8 બિલિયન ડોલર થઇ ગઇ છે.
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસ દરમિયાન રૂ. 155થી વધુનું ધોવાણ થતા તેની કિંમત રૂ. 2300ની આસપાસ રહી હતી. ફોર્બ્સના આંકડા મુજબ, બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
જ્યારે ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા પ્રમાણે, 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ 78 બિલિયન ડોલર હતી, જે 18 જાન્યુઆરી 2022ના રોજ 93 બિલિયન ડોલર પર પહોંચી હતી. જોકે, મંગળવારે તે ઘટીને 90 બિલિયન ડોલર થઇ ગઇ હતી. આથી નવા વર્ષની શરૂઆતના મહિનામાં જ અદાણીની સંપત્તિ દૈનિક રૂ. છ હજાર કરોડથી પણ વધી છે.
અદાણી ગ્રૂપની છ કંપની ભારતના શેર માર્કેટમાં સ્થાન ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં આ તમામ કંપનીઓમાં 5થી લઈને 45 ટકા સુધીનું વળતર જોવા મળ્યું છે. ખાસ તો અદાણી ગ્રીન એનર્જીમાં 45 ટકાથી વધુનો ભાવવધારો થયો છે. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરમાં પણ રોકાણકારોને ઓછા સમયમાં વધારે રીટર્ન મળ્યું છે.