ભારતમાં સોમવારે કોરોનાના 3,06,064 કેસ નોંધાયા હતા અને 439 લોકોના મોત થયા હતા. અગાઉના દિવસે કોરોનાના 3.33 લાખ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો નથી. આરોગ્ય મંત્રાલયના સોમવાર સવારના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યા વધીને 22,49,335 થઈ ગઈ હતી, જે 241 દિવસમાં સૌથી વધુ છે. આ સાથે જ સક્રિય કેસોની સંખ્યા કુલ કેસના 5.69 ટકા પર પહોંચી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 439 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 48,98,48 થયો હતો.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર કોરોનાથી કેસની સરખામણીએ સાજા થનારા લોકોની સંખ્યા પણ બે લાખથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 2,43,495 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. જે બાદ સાજા થનારા લોકોની કુલ સંખ્યા 3.68 કરોડ થઈ હતી.
દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 20.75 ટકા થયો હતો, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હતો. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વધીને 17.03 ટકા થયો હતો.ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 3.95 કરોડ કેસ નોંધાયા છે, કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રસીના 162.26 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.