દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર બાદ વન-ડે સીરિઝમાં પણ ભારતની શરમજનક હાર થઈ છે. ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં ક્લિન સ્વીપ કરીને સાઉથ આફ્રિકાએ શ્રેણી પર કબ્જો જમાવ્યો છે. કેપ ટાઉન ખાતે 23 જાન્યુઆરીએ રમાયેલી ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાએ 49.5 ઓવરમાં 287 રન બનાવ્યા હતા. 288 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં 6 રન જોઈતા હતા, પણ ભારતની 9 વિકેટ પડી ચૂકી હતી. જો કે, 49.2 ઓવરમાં 283 રન બનાવીને ભારત ઓલ આઉટ થઈ ગયું હતું. આમ સાઉથ આફ્રિકાએ ત્રીજી વન-ડે 4 રનોથી જીતી લીધી હતી.
દીપક ચહરના વિસ્ફોટક ફિફ્ટીને કારણે મેચમાં રોમાંચ આવી ગયો હતો, પણ તેની ઈનિંગ્સ ભારતને જીત અપાવી શકી ન હતી. સાઉથ આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી હતી અને વન-ડે સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું હતું. આ 5મી વખત છે કે જ્યારે ભારતને એશિયાની બહાર ક્લિન સ્વીપનો સામનો કરવો પડ્યો છે.
દીપક ચહરે 33 બોલમાં 54 રન ફટકારીને ભારતને જીતની નજીક લાવી દીધું હતું. પણ સાઉથ આફ્રિકાના બોલર્સ દ્વારા ટીમ ઈન્ડિયાના નીચેના ક્રમના બેટ્સમેનોને ધડાધડ આઉટ કરી દીધા હતા અને પાંચ રનોની અંદર 3 વિકેટ પડી ચૂકી હતી. ક્વિંટન ડી કોકની 17મી સદીની મદદથી સાઉથ આફ્રિકાના સારો સ્કોર કર્યો હતો. ડી કોકે 130 બોલમાં 124 રન બનાવ્યા હતા અને ચોથી વિકેટ માટે તેણે રસી વાન ડેર ડુસેન સાથે મળીને 134 રનોની પાર્ટનરશિપ કરી હતી. ડુસેને પણ 59 બોલમાં 52 રન બનાવ્યા હતા.
ઈનિંગ્સના અંતમાં ડેવિડ મિલરે 39 રન બનાવ્યા હતા. 36 ઓવરમાં સાઉથ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 214 રન હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 59 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 23 ઓવરના અંતે ભારતનો સ્કોર 116 રન હતો અને ભારત સરળતાથી રન ચેઝ કરી લેશે તેમ લાગતું હતું. પણ ઉપરાઉપરી બે વિકેટ પડવાને કારણે ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. 61 રનો પર શિખર ધવન આઉટ થયા બાદ પંત સિક્સ મારવાના ચક્કરમાં પોતાના પહેલા જ બોલમાં કેચ આઉટ થઈ ગયો હતો. સાઉથ આફ્રિકાના બોલર એન્ડિલે ફેહ્લુક્વાયોએ બે વિકેટ ઝડપી ટીમને પરત ગેમમાં લાવી હતી. પંત દ્વારા ખુબ જ ખરાબ શોટ રમવામાં આવ્યો હતો, જે આ સીરિઝમાં પ્રથમ વખત ન હતું. 65 રન પર વિરાટ કોહલી આઉટ થયા બાદ ચહરના 54 રનોની મદદથી ભારત જીતની ખુબ નજીક આવી ગયું હતું. પણ લુંગી એન્ગિડીની બોલિંગે ફરીથી ભારતીય ટીમને પાછળ ધકેલી દીધી હતી અને સાઉથ આફ્રિકાએ ત્રીજી વન-ડે પર જીત હાંસલ કરી દીધી હતી.