નેતાજી સુભાષચંદ્ર બોઝની 23 જાન્યુઆરીએ 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે આ સમય ઐતિહાસિક છે. આ સ્થળ કે જ્યાં આપણે ઉપસ્થિત છીએ તે એક ઐતિહાસિક છે. આજે આપણે ઈન્ડિયા ગેટ પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. નેતાજીની ભવ્ય પ્રતિમા ડિજીટલ સ્વરૂપમાં ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થઈ રહી છે. ટૂંક સમયમાં તેની જગ્યાએ ગ્રેનાઈટની વિશાળ પ્રતિમા લાગશે. આ પ્રતિમા આઝાદીના મહાનાયકને કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કમનસીબી એ છે કે સ્વતંત્રતા બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે અનેક મહાન વ્યક્તિત્વોના યોગદાનને ભૂસવાનું કામ થયું છે. આજે આઝાદી મળ્યાના દાયકાઓ બાદ દેશ આ ભૂલોને મજબૂતપણે સુધારી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ગ્રેનાઈટની પ્રતિમા મૂકવાની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિમા તૈયાર થશે નહિ ત્યાં સુધી આ જગ્યાએ હોલોગ્રામ પ્રતિમા રહેશે.નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકસભામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર લોકસભાના સેન્ટ્રલ હોલમાં રવિવારે સવારે 10.30 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હવેથી દરેક વર્ષે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ સમારંભ 23 જાન્યુઆરીથી મનાવવામાં આવશે. નેતાજીની જયંતીને આ સમારંભમાં સામેલ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. તેમની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ વર્ષથી એની શરૂઆત થશે.ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા 28 ફૂટ ઊંચી હશે. તેની પહોળાઈ છ ફૂટ હશે. મૂર્તિના નિર્માણ માટે ઝેડ બ્લેક ગ્રેનાઈટ પથ્થર તેલંગાણાથી લાવવામાં આવશે. પ્રતિમાને અમર જવાન જ્યોતિના સ્થાને સ્થાપિત કરવામાં આવશે.
ભારતના સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે ‘જય હિન્દ’ જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને ‘દેશભક્તોના દેશભક્ત’નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત,
નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલીત કરી હતી. માત્ર પંદરવર્ષની કિશોર વયે તેઓ ‘ગુરુ’ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા હતા.
સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવેશ: સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસથી પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા સુભાષબાબુએ વ્યક્ત કરી હતી. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહયોગનુ આંદોલન છેડ્યું હતુ જેમાં દિનબંધુએ કલકત્તાનુ નેતૃત્વ કર્યું હતુ અને સુભાષે આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવી હતી.
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી.