કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા -35 ડિગ્રી તાપમાનમાં ગુરુવારે મૃત્યુ પામેલા ચાર વ્યક્તિ ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના પટેલ પરિવારના હોવાની ચર્ચાથી ચકચાર મચી ગઈ છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકો અંગે ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીને આધારે તેમને કલોલના એક શકમંદ એજન્ટને પકડ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓએ ઓળખ છતી ન કરવા સાવચેતી રાખી છે કારણ કે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. . ઉલ્લેખનીય છે કે, કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયના ઠંડીને કારણે મોત થયા હોવાનું વિદેશપ્રધાને ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
અમેરિકામાં ઘૂસવા જતા કેનેડાની બોર્ડ પર હાડ ગાળતી ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામેલા ચાર સભ્યો ડીંગુચા ગામના હોવાની શક્યતા છે. એક નવજાત બાળક સહિત પરિવારના ચાર સભ્યોના અમેરિકા અને કેનેડાની સરહદ પર તીવ્ર ઠંડીને કારણે થીજી જતા કમકમાટીભર્યા મોત થયા હતા. આ પરિવાર ભારતીય હોવાનું માનવામાં આવે છે અને કેનેડાના પ્રદેશમાં આ દુઃખદ ઘટના ઘટી હતી. આ પરિવાર ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરતું હોવાની શક્યતા છે. આ ઘટનામાં અમેરિકામાં એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને તેની સામે હ્યુમન સ્મગલિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
માનીટોબા રોયલ કેનેડિયન માઉન્ટેટ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ-કેનેડા સરહદ પર ઇમર્સન નજીક બે પુખ્ત, એક ટીનેજર અને એક શિશુ સહિત ચાર વ્યક્તિના મૃતદેહ બુધવારે મળ્યા હતા. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મૃતદેહો ભારતના એક પરિવારના હોવાનું માનવામાં આવે છે. મીડીયા રીપોર્ટ મુજબ આ લોકો અમેરિકાની સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.