યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરોસે વિશ્વના બજાર અને અર્થતંત્રમાં ધુવ્રીકરણને ટાળવા માટે વેપાર અને ટેકનોલોજીના મુદ્દા અંગે અમેરિકા અને ચીનને મંત્રણા ચાલુ કરવાનો અનુરોધ કર્યો હતો. ચીન સાથે અમેરિકાના વર્ષો જૂના ટેકનોલોજી વિવાદ અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ હંમેશા યુનિફાઇડ ગ્લોબલ માર્કેટ અને વૈશ્વિક અર્થતંત્રની તરફેણ કરે છે. હું ઘણીવાર કહ્યું છે કે વિશ્વનું બે ભાગમાં વિભાજન થવું જોઇએ નહીં. દરેકની પોતાની આર્થિક સિસ્ટમ, દરેકના પોતાના નિયમો અને દરેકનું પોતાનું પ્રભાવશાળી ચલણ અને ઇન્ટરનેટ સાથે વિશ્વનું બે ભાગમાં વિભાજન ટાળવું જોઇએ. વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા અમેરિકા અને ચીનને વેપાર અને ટેકનોલોજીના મુદ્દે મંત્રણા અને વિચારવિમર્શ કરવો જોઇએ.