મુંબઈના તાડદેવ વિસ્તારની રહેણાંક ઇમારતના 19માં માળે શનિવારની સવારે વિનાશક આગ ભભૂકી ઉઠતા ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત થયા હતા અને 23 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 12 વ્યક્તિની હાલત ગંભીર હતી. આ આગ શોર્ટ સર્કિટની કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ગોવાલિયા ટેન્ક ખાતેની ભાટિયા હોસ્પિટલની સામે આવેલી સચિનમ હાઇટ નામની 20 માળની બિલ્ડિંગમાં સવારે સાત વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી ત્યારે લોકો હજુ નિદ્રામાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન નેશનલ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની અને ઘાયલ વ્યક્તિઓને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રના પ્રવાસન પ્રધાન આદિત્ય ઠાકરેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઘટનાની જાણ થતાં 13 ફાયર એન્જિન અને સાત વોટર જેટીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સવારે સાત વાગ્યે લાગેલી આગ પર બપોરે 12.20 કલાકે કાબુ મેળવામાં આવ્યો હતો.બિલ્ડિંગમાં રહેતા કેટલાંક લોકોએ આક્ષેપ કર્યો હતો કે નજીકની ત્રણ ખાનગી હોસ્પિટલોએ એડવાન્સ ડિપોઝિટ અને નેગેટિવ કોરોના રીપોર્ટ વગર ઘાયલ લોકોને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે દાવો કર્યો હતો કે હોસ્પિટલોએ દાખલ કરવાનો ઇનકાર કર્યો હોવાથી મૃત્યુઆંક વધ્યો હતો.
બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે આ આગ 19માં માળે લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનોનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા તથા રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી હતી. 29 લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાત વ્યક્તિને બીએમસીની નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી પાંચના મોત થયા હતા. એક વ્યક્તિનું મોત કસ્તુરબા હોસ્પિટલમાં થયું હતું.
આ ઇમારતના દરેક માળમાં ઓછામાં ઓછ છ ફ્લેટ છે. આગ લાગતા કેટલાંક લોકો બહાર દોડ્યા હતા. પરંતુ આગ ગણતરીના સમયમાં સમગ્ર માળમાં ફેલાઈ હતી અને કેટલાંક લોકો તેમાં ફસાઈ ગયા હતા.