કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનની બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં ‘અબાઇડ વીથ મી’ ખ્રિસ્તી ભજન પડતું મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લોકપ્રિય ગીત બીટિંગ રિટ્રીટ સેરેમનીના સમાપનનો સંકેત આપે છે અને સૈકા જૂની લશ્કરી પરંપરા છે. બીટિંગ રિટ્રીટ સેરેમની દિવસ માટે યુદ્ધના અંતનો સંકેત આપે છે તથા સૈનિકો શસ્ત્રોને વિરામ આપે છે અને યુદ્ધના મેદાનમાંથી પાછા હટી જાય છે.
ભારતમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોના સમાપનને અંતે દર વર્ષે 29 જાન્યુઆરીની સાંજે દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રિટ્રીટ સેરેમની યોજવામાં આવે છે.
દિલ્હીમાં 50 વર્ષથી સતત પ્રજ્વલિત અને ઈન્ડિયા ગેટની ઓળખ સમાન અમર જવાન જ્યોતિને નજીકના નેશનલ વોર મેમોરિયલની જ્યોતિમાં ‘ખસેડવાના’ સરકારના નિર્ણયના એક દિવસ બાદ આ લોકપ્રિય ગીતને પડતુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઇન્ડિયા ગેટ ખાતેની મૂળ જ્યોતિ જાળવી રાખવામાં આવશે, જે અજાણ્યા સૈનિકોનું સન્માન કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અહીં કોતરવામાં આવેલા નામો માત્ર એવા કેટલાંક સૈનિકોના હતા, જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ અને એન્ગલો-અફઘાન યુદ્ધમાં બ્રિટન વતી લડ્યા હતા અને તેથી બ્રિટિશ રાજના પ્રતિક હતા.
ઇન્ડિયા ગેટને ભારતમાં માત્ર બ્રિટિશ રાજના પ્રતિક તરીકે ગણવાના મુદ્દે નિષ્ણાતોએ વિવિધ મત રજૂ કર્યા હતા. કેટલાંક નિષ્ણાતો માને છે કે ભારતની લશ્કરી પરંપરા ભારતના બ્રિટિશ રાજના ઇતિહાસ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતના આશરે 74,000 સૈનિકોના મોત થયા હતા. આ સૈનિકો બેલ્જિયમ અને ફ્રાન્સના સૌથી વધુ પ્રતિકૂળ વિસ્તારમાં વિશ્વની સૌથી મોટા જંગમાં લડ્યા હતા. અહીં તેઓ બેલ્જિયમના ફ્લેન્ડર્સ ફિલ્ડમાં લડયા હતા અને આગેકૂચ કરી રહેલા જર્મન સૈનિકોના મસ્ટાર્ડ ગેસનું જોખમ હતું. યુદ્ધમાં કેમિકલ હથિયારોના ઉપયોગના પણ આ પ્રથમ કિસ્સો હતો.