ગુજરાતમાં બુધવાર, 19 જાન્યુઆરીએ પ્રથમ વખત કોવિડ-19ના કેસ 20,000ને પાર થઈ ગયો હતા. રાજ્યમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે 17,119 કેસ નોંધાયા હતા જ્યારે બુધવારે કેસની સંખ્યામાં 3,000થી વધુનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 20,966 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 12 લોકોના મોત થયા હતા અને 9828 દર્દીઓ સાજા થયા હતા. બુધવારે અમદાવાદમાં છ, વલસાડ તથા સાબરકાંઠામાં બે-બે અને સુરત કોર્પોરેશન તથા ભરૂચમાં એક-એક દર્દીના મોત થયા હતા.
ગુજરાતમાં કોરોનાના કેસની પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે અને કેસની સંખ્યા રોકેટગતિએ વધી રહી છે. તેમાં પણ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની પરિસ્થિતિ વધારે ચિંતાજનક છે. આ ચારેય શહેરોમાં કેસની સંખ્યા ચાર આંકડામાં નોંધાઈ રહી છે. અમદાવાદમાં તો દૈનિક કેસનો આંકડો 8000ને અને સુરતમાં 3000ને પાર થઈ ગયો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 90,000ને પાર થઈ ગઈ હતી. હાલમાં ગુજરાતમાં 90,726 એક્ટિવ કેસ છે જેમાંથી 125 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી 8,76,166 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ ઘટીને 89.67 ટકા પર પહોંચી ગયો છે. 12 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,186 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2,02,592 લોકોએ વેક્સિન લીધી છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 9,55,82,092 લોકોએ વેક્સિન લીધી છે. પ્રિકોશન ડોઝ લેનારા લોકોની સંખ્યા 7,15,565 પર પહોંચી છે.
સૌથી વધુ કેસ ચાર મહાનગરોમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8391 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 3832 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે સુરત કોર્પોરેશનમાં 3318 કેસ સામે આવ્યા હતા અને 1990 લોકો સાજા થયા હતા. વડોદરા કોર્પોરેશનમાં 1998 અને રાજકોટ કોર્પોરેશનમાં 1259 કેસ સામે આવ્યા હતા.