અમેરિકામાં બુધવાર, 19 જાન્યુઆરીથી 5G ઇન્ટરનેટના અમલને પગલે એર ઇન્ડિયાએ અમેરિકા માટેની કેટલીક ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો છે. બોઇંગ 777s મારફત અમેરિકામાં ફ્લાઇટ ઓપરેટ કરતી એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે બુધવારથી આ ફ્લાઇટ્સમાં કાપ મૂકાશે અથવા વિમાનના પ્રકારમાં ફેરફાર થશે.

અમેરિકી વિમાન કંપનીઓએ એફએએને સોમવારે પત્ર લખીને કહ્યુ હતુ કે, 5જીના કારણે વિમાન ક્ષેત્રમાં મોટુ સંકટ ઊભુ થઈ શકે છે. આ કંપનીઓમાં યુનાઈટેડ એરલાઈન્સ, અમેરિકન એરલાઈન્સ, ડેલ્ટા એરલાઈન્સનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા ઉપરાંત અન્ય બે કંપનીઓ યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સ ભારત અને અમેરિકા વચ્ચે ઉડાન ભરે છે.

એરલાઇન્સ ગ્રૂપે જણાવ્યું હતું કે એરપોર્ટ રન-વેના બે-માઇલ વિસ્તારને છોડીને સમગ્ર યુ.એસ.માં 5G ઇન્ટરનેટ સર્વિસનો અમલ કરવો જોઇએ. બીજી તરફ, એર ઈન્ડિયાએ મંગળવારે ટ્વિટ કર્યું કે, અમેરિકામાં 5G કોમ્યુનિકેશન સર્વિસના અમલને કારણે, 19 જાન્યુઆરીથી ભારતથી અમેરિકા સુધીની અમારી સેવા રદ કરવી પડશે અથવા તેમાં ફેરફાર થઈ શકે છે. આ અંગેની નવીનતમ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

યુએસ ઉડ્ડયન નિયામક ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, 5જીના કારણે વિમાનના રેડિયો અલ્ટીમીટર એન્જિન અને બ્રેક સિસ્ટમમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી રનવે પર વિમાનને લેન્ડ થવામાં અવરોધ ઊભો થઈ શકે છે.

નવા 5G વાયરલેસ નેટવર્કના અમલને કારણે મુખ્ય એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને રેડિયો પર તેની અસર પડી શકે તેવી ચિંતા વચ્ચે અમીરાત જાપાન એરલાઇન્સ, એર ઇન્ડિયા અને ઓલ નિપ્પોન એરવેઝ સાથે યુનાઇટેડ સ્ટેટ્સની મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં જોડાઈ છે. બહુવિધ એરલાઇન્સ ચિંતિત છે કે સી-બેન્ડ ફ્રીક્વન્સી પર યુએસ 5G રોલઆઉટ “રેડિયો અલ્ટિમીટર દ્વારા ઉપયોગમાં લેવાતી આવર્તનની ખૂબ નજીક છે”ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેટર (એફએએ)એ ચેતવણી આપી હતી કે ફાઇવ-જી  કારણે કેટલાંક જેટ્સમાં હાઇટ રીડિંગને અસર થઈ શકે છે, જે બેડ વેધર રીડિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.